રાજકોટ નગરમાં પ્રથમ વખત અંકલીકર પરંપરાના ચતુર્થ પટ્ટાધીશ પ્રાકૃતાચાર્ય સુનિલ સાગરજી ગુરુદેવ સસંઘના પાવન સાનિધ્યમાં 8 દિવસીય સિદ્ધ પરમેષ્ઠી આરાધનાનો ભવ્ય શુભ પ્રારંભ થયો છે. અષ્ટાન્હિકા મહાપર્વના પવિત્ર અવસરે આયોજિત આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સિદ્ધચક્ર મહામંડળ વિધાનનું આયોજન કરવામાં આવ્યું છે.
સિદ્ધક્ષેત્ર ગિરનારથી વિહાર કરીને 24 ફેબ્રુઆરીની પ્રાત:કાળીન મંગલ વેળાએ શ્રીસંઘનો રાજકોટમાં ભવ્ય મંગલ પ્રવેશ થયો હતો. શ્રદ્ધાળુઓએ ભારે ઉત્સાહ સાથે આગવાણી કરી અને ગુરુદેવના દર્શનનો લાભ લીધો. સમગ્ર વાતાવરણ જયઘોષ અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું.
કાર્યક્રમની શરૂૂઆત ચિત્ર અનાવરણ, દીપ પ્રજ્વલન, ગુરુદેવના પાદપ્રક્ષાલન અને શાસ્ત્ર ભેટની વિધિ વિધાનપૂર્વક કરવામાં આવી. ધ્વજારોહણ બાદ પૂજ્ય ગુરુદેવે પોતાના મંગલમય ઉદ્બોધનમાં સિદ્ધ આરાધનાના મહત્ત્વ પર પ્રકાશ પાડી ધાર્મિક સાધનાથી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો.
આ મહાપર્વમાં સૌધર્મ ઇન્દ્ર તરીકે હેમંતભાઈ શાહ, મૈનાસુંદરીશ્રીપાલ રાજા તરીકે શુભાષચંદ્ર ઊષાબેન જૈન તથા ધ્વજારોહણકર્તા તરીકે અનિલકુમાર ઋષભકુમાર જૈન મુખ્ય પાત્ર તરીકે જોડાયા હતા. મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ ઉત્સાહભેર ભાગ લઈને ધાર્મિક ભાવના વ્યક્ત કરી.
રાજકોટમાં પ્રથમ વખત આટલા વિશાળ સંઘનો પાવન સાનિધ્ય પ્રાપ્ત થતા શ્રદ્ધાળુઓમાં વિશેષ આનંદ અને ઉમંગ જોવા મળ્યો. ગુરુદર્શનથી ભક્તોના ચહેરા આનંદ અને આસ્થાથી ઝળહળી ઉઠ્યા. આગામી આઠ દિવસ સુધી સિદ્ધ પરમેષ્ઠી આરાધનામાં વિવિધ ધાર્મિક વિધિ-વિધાનોનું આયોજન કરવામાં આવશે.
