રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા જેલમાં ભરણપોષણના કેસમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ છે. શાપર વેરાવળનો યુવાન 3 મહિનાથી જેલમાં હતો.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લા જેલમાં રહેલા કેદી હિંમત સામતભાઇ સોલંકી (ઉ.વ.30)વાળો આજે સવારે જેલમાં હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી હાર્ટએટેક આવતા મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક હિંમત મુળ કુકાવાવના માયાપર ગામનો વતની હાલ શાપર વેરાવળમાં રહી સેન્ટ્રીંગ કામની મજૂરી કરતો હતો. તેને પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સંતાનમાં એક પુત્રી છે. પત્ની પૂજા હાલમાં રિસામણે હોય અને ભરણપોષણનો કેસ કર્યો હતો.જેના હપ્તા ચડી જતા હિંમત ત્રણ મહિનાથી રાજકોટ જિલ્લા જેલમાં હોવાનુ જાણવા મળ્યુ છે.
