યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય તેમ વિવિધ વિસ્તારોમાં આખલાઓ બાખડતા જોવા મળે છે. તાજેતરમાં ફૂલડોલ ઉત્સવ ખૂબ નજીક છે ત્યારે અને યાત્રાળુઓનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિર નજીક ગોમતી ઘાટ વિસ્તારમાં ફરી એકવાર આખલાઓનો આતંક જોવા મળ્યો હોય તેમ સાંકડી ગલીમાં ધીંગાણું મચાવતા આખલાને કારણે ભીડભાડવાળા વિસ્તારમાં યાત્રાળુઓના જીવ અધ્ધરતાલ થઈ ગયા હતા.
અચાનક મચેલા આખલાઓના સમરાંગણમાં આશરે સાત જેટલા યાત્રાળુઓ માંડ માંડ બચ્યા હતા અને યાત્રીકોમાં દોડધામ મચી ગઈ હતી અને સદનસીબે જાનહાનિ ટળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નગરપાલીકા દ્વારા આખલાઓને પકડવા થોડા સમય પહેલા પ્રાઈવેટ કોન્ટ્રાકટ આપેલ છે પરન્તુ હજુ સુધી અસરકારક કામગીરી દેખાતી ન હોય ઠેર ઠેર આખલાઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.
