રાજકોટના ક્રિસ્ટલ મોલ નજીક બનેલા ચર્ચાસ્પદ હિટ એન્ડ રન કેસમાં આરોપી આત્મન અક્ષયભાઈ પટેલ પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ આરોપી આત્મનની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નકારી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આરોપી આલ્કોહોલની અસર હેઠળ હતો, પૂરઝડપે બીએમડબલ્યુ કાર ચલાવી હતી. આવા ગંભીર કેસમાં જામીન આપી શકાય નહીં. આ ઉપરાંત પોલીસ દ્વારા સાપરાધ મનુષ્યવધની કલમ ઉમેરવામાં આવશે.
ગત 10 નવેમ્બર 2025ની વહેલી સવારે બે-અઢી વાગ્યે તુલસી મોલ પાસે આરોપીની બીએમડબલ્યુ કાર (ૠઉં-03-ગઇ-7301)એ અભિષેક નાથાણી (વય 20)ની મોટરસાયકલને ઉડાવ્યું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે અભિષેકનું શરીર 230 ફૂટ દૂર ફેંકાઈ ગયું અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
શરૂૂઆતમાં ફરિયાદી કેવલ નાથાણીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને પ્રારંભિક ઇગજ કલમ 106(1), 281 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 184 અને 177 હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેને પોલીસ જામીન આપ્યા હતા. બાદમાં ફરિયાદીએ લેખિત અરજી કરીને હિટ એન્ડ રનની કલમ 105 અને મોટર વ્હીકલ એક્ટ કલમ 185 ઉમેરવાની માંગ કરી હતી.
પોલીસે આરોપીનું લોહીનું સેમ્પલ લીધું હતું અને એફએસએલ રિપોર્ટમાં આલ્કોહોલની હાજરી સાબિત થઈ છે. સીસીટીવી ફુટેજ અને અન્ય પુરાવાઓ પણ મળી આવ્યા. આ પુરાવાઓના આધારે 12 ફેબ્રુઆરી 2026એ કોર્ટમાં અતિરિક્ત કલમો ઉમેરવામાં અરજી કરી હતી. આરોપીને આની જાણ થતાં તેણે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી.
પોલીસે સોગંદનામું રજૂ કરીને અને ફરિયાદી કેવલ નાથાણીએ તેમના વકીલો મારફત સખત વિરોધ કર્યો. સરકારી વકીલ ઈશાન્તભાઈ પટેલે પણ જામીનનો વિરોધ કર્યો. કોર્ટે તમામ પુરાવાઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કર્યા બાદ અરજી નકારી કાઢી. કોર્ટે કહ્યું કે આરોપી આલ્કોહોલની અસરમાં પૂરઝડપે કાર ચલાવતો હતો અને કેસ અત્યંત ગંભીર છે. આવી સ્થિતિમાં આગોતરા જામીન આપી શકાય નહીં. ફરિયાદી તરફથી ધારાશાસ્ત્રી રાજેશ કે. મહેતા, ધવલ પી. મહેતા, ગૌરવ પી. મહેતા, ગૌરાંગ મહેતા, સી. વી. અઘેરા, એચ. આર. મહેતા વગેરે હાજર રહ્યા હતા. આ નિર્ણયથી ફરિયાદી પરિવારમાં રાહતની લાગણી છે.
