કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સંમતિ ગેરબંધારણીય ઠરશે તો?

ગુજરાત સરકારે અંતે પાટીદારો સહિતની જ્ઞાતિઓની દબાણ હેઠળ ઝૂકીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવાનું એલાન કરી દીધું. અત્યારે દેશમાં રજિસ્ટ્રેશન ઓફ મેરિજીસ રૂૂલ્સ હેઠળ છોકરી…

ગુજરાત સરકારે અંતે પાટીદારો સહિતની જ્ઞાતિઓની દબાણ હેઠળ ઝૂકીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવાનું એલાન કરી દીધું. અત્યારે દેશમાં રજિસ્ટ્રેશન ઓફ મેરિજીસ રૂૂલ્સ હેઠળ છોકરી 18 વર્ષની હોય ને છોકરો 21 વર્ષનો હોય એટલે પોતાની ઉંમર, ફોટોગ્રાફ અને રહેઠાણના પુરાવા રજૂ કરીને લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે પણ હવે પછી લવ મેરેજ એટલે કે કોર્ટ મેરેજ કરતાં પહેલાં માતા-પિતાને જાણ કરવાની રહેશે ને આડકતરી રીતે તેમની સંમતિ ફરજિયાત કરી દેવાઈ છે. ગુજરાત સરકારે કરેલી જાહેરાતમાં ગુજરાતમાં ભવિષ્યમાં કોર્ટ મેરેજ માટે કઈ પ્રક્રિયાને અનુસરવાનું રહેશે તેની આખી રૂૂપરેખા અપાઈ છે. આ રુપરેખા પ્રમાણે, લવ મેરેજ કરવા માગતાં યુવક-યુવતી મેરેજ રજિસ્ટ્રારને ત્યાં રજિસ્ટ્રેશન કરાવે કે તરત તેમનાં મા-બાપને વોટ્સએપ મેસેજ મારફતે કે પછી પત્ર મોકલીને રજિસ્ટ્રેશન કરાવ્યાની જાણ થશે.

આ જાણ 10 દિવસમાં કરવાની છે ને તેનો મતલબ એ કે, મેરેજ રજિસ્ટ્રારે પ્રેમ લગ્ન માટે માતાપિતાને ફરજિયાત 10 દિવસની નોટિસ આપવાની રહેશે. પહેલાં રજિસ્ટ્રેશનના 30 દિવસમાં મેરેજે રજિસ્ટર્ડ એટલે કે લગ્નની નોંધણી થઈ જતી પણ નવા નિયમમાં રજિસ્ટ્રેશન કરાવ્યાના 10 દિવસમાં માતા-પિતાને જાણ કરવાની હોવાથી 40 દિવસમાં લગ્નની નોંધણી થશે. નવા નિયમમાં રજિસ્ટ્રેશન વખતે માતા-પિતાના આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા પણ આપવાના છે. માતા-પિતાના આધાર કાર્ડની ચકાસણી પણ ફરજિયાત કરાઈ છે અને કોર્ટ મેરેજની તમામ વિગતો માટે ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂૂ કરાશે. મીડિયાએ આ નવા નિયમો અત્યારથી અમલી બની ગયા હોય એવું ચિત્ર ઊભું કર્યું છે પણ વાસ્તવમાં ગુજરાત સરકારે નિયમોમાં સુધારો કરતાં પહેલાં લોકો પાસેથી વાંધા અને સૂચનો મગાવ્યાં છે. વાંધા અને સૂચનો 30 દિવસમાં મોકલી શકાશે.

તેના પર વિચારણા કર્યા પછી નવા નિયમો અમલી બનશે પણ અત્યારથી જ ગુજરાતની ભાજપ સરકાર પર અભિનંદનોની વર્ષા થવા માંડી છે. ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)માં છેતરપિંડીથી લગ્ન કરનાર સામે કલમ 496 હેઠળ કેસ ચાલતો અને 7 વર્ષ સુધીની સજા થતી પણ નરેન્દ્ર મોદી સરકારે આઈપીસીના સ્થાને બનાવેલા ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)માં તો સજાની જોગવાઈ વધારીને 10 વર્ષ સુધીની કરી દેવાઈ છે. ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ 69 હેઠળ તો કોઈ વ્યક્તિ ઓળખ છૂપાવીને શારીરિક સંબંધો બાંધે તો બળાત્કારનો ગુનો લાગુ પડે છે અને ઓછામાં ઓછી 10 વર્ષની સજા છે. મુસ્લિમ યુવકો હિંદુ યુવક બનીને છોકરીઓને ભોળવે છે ને પછી તેમની સાથે શરીર સંબંધો બાંધીને તેમને લગ્ન કરવાની ફરજ પાડે છે એવા આક્ષેપો થાય છે. આ પ્રકારની ઘટનાઓમાં ખોટું નામ ધારણ કરનારને 10 વર્ષ માટ અંદર કરવાની જોગવાઈ મોદી સરકારે પોતે જ કરી છે.

ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 83 હેઠળ છેતરપિંડી કરીને કરાતાં લગ્ન ફોજદારી ગુનો છે. એ જ રીતે કોઈ વ્યક્તિ પહેલાંથી જ પરિણીત હોય અને પહેલાં લગ્ન છુપાવીને બીજા લગ્ન કરે તો પણ કલમ 82 (2) હેઠળ 10 વર્ષની સજાની જોગવાઈ છે. ભારતીય ન્યાય સંહિતામાં બીજી પણ ઘણી કલમો એવી છે કે જે લગાડીને કહેવાતી લવ જિહાદ કરનારાંને જેલમાં ધકેલી શકાય છે અને આકરી સજા કરાવી શકાય છે.

આ બધા કાયદા પાછા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જ બનાવ્યા છે ને પહેલાં જે પણ છટકબારીઓ હતી એ બંધ કરીને કોઈ કાયદાને પાંગળો નથી રહહેવા દીધો. એ છતાં કોઈ સલીમ સુરેશ બનીને છોકરીઓને ફસાવતો હોય ને તેને કશું ના કરી શકાતું હોય તો એ પોલીસની નિષ્ફળતા કહેવાય. ગુજરાત સરકારે 30 દિવસમાં વાંધા-સૂચનો મંગાવીને નવા નિયમોનો અમલ કરવાનું નક્કી કર્યું છે તેથી 30 દિવસ પછી શું થાય છે એ જોવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *