ખૂન-દારૂ- જૂગારના ગુનામાં સામાન્ય વધારો: બળાત્કાર-ચોરી- આત્મહત્યાના કેસમાં ઘટાડો
અમદાવાદ/રાજકોટ: રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, અમદાવાદ અને રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વની વિગતો સામે આવી છે. ધારાસભ્ય શૈલેષ મનુભાઈ પરમાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી (ગૃહ) દ્વારા તા. 31/12/2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષના ગુનાખોરીના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં ખૂન, લૂંટ, બળાત્કાર, ચોરી અને દારૂૂ જેવા વિવિધ 10 ગંભીર ગુનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમાં 2025માં લુંટના 16 ગુનાની સંખ્યા 62 ટકા વધીને 2025માં 26 થઇ છે. જયારે અપહરણના 2024માં 76 ગુના 34.21 ટકા વધીને 102 ગુના 2025માં નોંધાયા છે.
રાજકોટ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ગુનાખોરીના ગ્રાફમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. જેમાં વર્ષ 2024માં ચોરીના 680 ગુના નોંધાયા હતા, જે વર્ષ 2025માં ઘટીને 653 થયા છે. દારૂૂના 5341 કેસો નોંધાયા હતા, જે વર્ષ 2025માં વધીને 5607 થયા છે. ખૂનના 34 કેસો હતા, જે 2025માં વધીને 38 થયા છે. લૂંટના ગુનામાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં 16 કેસોની સામે 2025માં 26 કેસો નોંધાયા છે.
વર્ષ 2024માં બળાત્કારના 38 કેસો નોંધાયા હતા, જ્યારે 2025માં તેમાં થોડો ઘટાડો થઈને 35 કેસો નોંધાયા છે. વર્ષ 2024માં 76 અને 2025માં 102 અપહરણના ગુના નોંધાયા છે. જે 34.21 ટકાનો વધારો દર્શાવે છે. જુગારના કેસોમાં 2024માં 574 અને 2025માં 610 કેસો નોંધાયા છે.
2024માં છેડતીના 20 કેસોની સામે 2025માં 20 કેસો યથાવત રહ્યા છે. રાજકોટમાં 2024 અને 2025માં ધાડનો કોઈ (0) કેસ નોંધાયો નથી. તો વર્ષ 2024માં 21 અને 2025માં 19 આત્મહત્યાના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નોંધાયેલા ગુનાઓ પૈકી મોટાભાગના કિસ્સાઓમાં ગુનેગારોને પકડી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ અને રાજકોટ શહેરમાં કુલ 52,772 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ 376 આરોપીઓને પકડવાના બાકી છે. કુલ 44,294 ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ અહેવાલ સૂચવે છે કે પોલીસ તંત્ર સક્રિય હોવા છતાં, શહેરી વિસ્તારોમાં લુંટ અને અપહરણના કેસો પર વધુ અંકુશ લાવવાની જરૂૂરિયાત છે.

