ઉત્તર પ્રદેશના મથુરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે આવતી એક કારે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 4 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. આ તમામ યુવાનો લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતાં. આ ઘટના બસ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
આ અકસ્માત મથુરાના ડીગ ગોવર્ધન બાયપાસ પર નગલા દેવિયા વળાંક પાસે સર્જાયો હતો. મથુરાના મહાવનથી રાજસ્થાનના ડીગમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા ચાર યુવકોની કારને અકસ્માત નડ્યો હતો. કારની સ્પીડ એટલી વધારે હતી કે વળાંક પર કાબુ ગુમાવતા કાર સીધી પાણીની ટાંકી સાથે અથડાઈને 6 મીટર ઉંડી નહેરમાં ખાબકી હતી. ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.
મૃતકોની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. જેમાં મહાવન વિસ્તારના રાહુલ વર્મા (23), મોહિત (22) અને અમિત (23) નો સમાવેશ થાય છે, જ્યારે ચોથા યુવકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. મૃતકોમાં મોહિત લો (Law) નો વિદ્યાર્થી હતો, જ્યારે અમિત પણ અભ્યાસ કરતો હતો. રાહુલ સિલાઈ કામ કરતો હતો અને અકસ્માતગ્રસ્ત કાર તેના મોટાભાઈની હતી.
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, કાર નહેરમાં ઉંધી પડી હોવાથી અંદર ફસાયેલા યુવકોને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. રાત્રિના અંધકાર અને નહેરના ઉંડા પાણીને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી.
