ઓસ્ટ્રેલિયા રહેતા વેપારી પરિવારના પુત્ર પાસેથી પૈસા લીધા બાદ કહ્યું હજુ વધુ પૈસા નહીં આપો તો માતાજી તમારી પર કોપાયમાન થશે
હાલ અંધશ્રદ્ધાના કિસ્સાઓ ઘણા સામે આવી રહ્યા છે અને તેમાં પણ હવે શિક્ષિત લોકો પણ આવી અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે.ત્યારે રાજકોટ શહેરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.ગુંદાવાડી શેરી નં.રરમાં રહેતાં અને પોતાને ચમત્કારી તરીકે ઓળખાવતાં સતિષ રામજી ધામી નામના ગઠિયાએ અમદાવાદ રહેતા એક પરિવારને સમસ્યાઓ દૂર કરવાના નામે તેમની પાસેથી રૂૂા.24 લાખ પડાવી લીધાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર પરિવારનો એક શિક્ષિત સભ્ય ઓસ્ટ્રેલિયા જેવા મોડર્ન સિટીમાં રહે છે. આમ છતાં તે પણ આ ગઠિયાની જાળમાં ફસાયો હતો.
વધુ વિગતો મુજબ,અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં પ્રવાહ એપાર્ટમેન્ટમાં રહેતા જયંતીલાલ પરમાર (ઉ.વ.55) પોતાના બંગલા સામે હરિઓમ ટ્રેડર્સ નામે કરિયાણાની દુકાન ધરાવે છે. મોટો પુત્ર અંકિત (ઉ.વ.28) પરિણીત છે અને ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે. નાનો પુત્ર હાર્દિક (ઉ.વ.25) અપરિણીત છે. જયંતીલાલે પોલીસને જણાવ્યું કે તેના પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં પાર્થ ચોટલીયા પણ રહે છે. તેના પુત્રને પરમેનન્ટ રેસિડેન્સિની સમસ્યા હતી, તેના પત્ની જયશ્રીબેનને પગમાં સોજો રહેતો હોવાથી ઘરકંકાસ થતો હતો,નોકરી-ધંધો પણ વ્યવસ્થિત ચાલતો ન હતો.
એક વાર તેના પુત્રની સગાઈ પણ તૂટી જતાં હંમેશા મુંઝાયેલો રહેતો હતો સાથે રહેતા મિત્ર પાર્થને વાત કરતો તેણે કહ્યું કે તેના ઘરમાં પણ કંકાસ રહેતો હતો, જેથી રાજકોટ રહેતાં આરોપીનો સંપર્ક કર્યો હતો. એટલું જ નહીં હાલમાં તેને પૈસા પણ આપે છે. જેને કારણે તેના પુત્રએ પણ આરોપીનો વીડિયો કોલથી સંપર્ક કરતાં આરોપીએ તમામ સમસ્યાઓ દૂર કરવાની વાત કરી હતી.તેમજ તેમને ઓસ્ટ્રેલિયાના પીઆર મળી જશે તેમ વાતો કરી હતી.
પરિણામે તેનો પુત્ર આરોપીની વાતોમાં આવી ગયો હતો અને આરોપીના કહ્યા મુજબ તેને તેના એકાઉન્ટમાં રૂૂા.17.23 લાખ મોકલી આપ્યા હતા. તેનો પુત્ર ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવતા તેનો પરિવાર રાજકોટ આરોપીના ઘરે આવ્યો હતો. તે વખતે આરોપીએ ફરીથી તમામ સમસ્યાઓ દૂર કરી આપશે તેમ કહી પોતાને આ માટે રૂૂપિયા આપતા રહેવા પડશે તેમ પણ કહ્યું હતું.તેમજ રૂૂપિયા નહીં આપો તો માતાજી કોપાઈ માન થશે તેવી ધમકી આપી હતી. માસમાં તે પત્ની સાથે ફરીથી રાજકોટ આરોપીના ઘરે આવ્યા હતા. તે વખતે આરોપીને કામ થતાં નહીં હોવાનું કહેતાં બે લાખ લીધા હતા.
ત્યાર પછી અમદાવાદ જતાં રહ્યા હતા. તેના બીજા પુત્ર હાર્દિકે આરોપીને રૂૂા.પ લાખ મોકલ્યા હતા. ગત ડિસેમ્બર આરોપીએ માતાજીની વીધી કરવી પડશે તેમ કહી કટકે-કટકે તેની પાસેથી પણ બે લાખ લીધા હતા.પરંતુ આખરે તેમની કોઈ સમસ્યાનું નિવારણ આવ્યું ન હતું. આરોપી સાથે સંપર્ક કરાવનાર પાર્થને કહેતા તેણે પણ આરોપીએ પોતાના રૂૂપિયા લઈ કામ નહીં કરી આપ્યાનું કહ્યું હતું.આખરે છેતરાઈ ગયાનો અહેસાસ થતાં ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ગોહિલ અને સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.
