સુરેન્દ્રનગરનાં પાટડી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી પ્લાયવુડની આડમાં છુપાવીને ઘુસાડેલો રૂા.1.50 કરોડની કિંમતના દારૂ ભરેલા ક્ધટેનર સાથે ચાલકની ધરપકડ કરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂ સહિત રૂા.1.68 કરોડનો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતાં દારૂનો જથ્થો મંગાવનાર ત્રણ સ્થાનિક બુટલેગરો અને સપ્લાયર રાજસ્થાનના શખ્સનું નામ ખુલ્યું છે. જેમાં એક મહિલા બુટલેગર પણ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગરનાં પાટડી નજીક માલવણ ગામે આલીશાન હોટલ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ દરોડામાં દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં રૂા.1.50 કરોડની કિંમતનો 33816 જેટલી દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો હરિયાણાની બે લીકર ફેકટરીમાંથી સપ્લાય થયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. એસએમસીએ આ દારૂ સાથે યુપીના ઓરીયા જિલ્લાના દિવ્યાપુર રાનાનગર કોલોનીના સતેન્દ્રપાલ બલવીરસિંહની ધરપકડ કરી હતી. આ દારૂની તપાસમાં દારૂનો જથ્થો મંગાવનાર પાટડીના ત્રણ બુટલેગરોના નામ ખુલ્યા હતાં. જેમાં ગેડિયાના બિલ્કીશબાનુ હનીફખાન મલેક, ઈસ્માઈલખાન બિસ્મીલ્લાખાન મલેક અને અકીબખાન ઈલમાખાન મલેક તેમજ દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના ઉદયપુરના સપ્લાયર પ્રિતમસિંગનું નામ ખુલ્યું છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એસ.એમ.સી.ના ઈન્ચાર્જ ડીવાયએસપી ખાંટની સુચનાથી પીએસઆઈ આર.જી.વસાવા અંને તેમની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડામાં 1.50 કરોડનો દારૂનો જથ્થો તેમજ 15 લાખનો ટ્રક સહિત રૂા.1.68 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો પ્લાયવુડની આડમાં છુપાવવામાં આવ્યો હતો. જેમાં આશરે 3 લાખનું પ્લાયવુડ પણ એસએમસીએ કબજે કર્યુ છે. હરિયાણાના બે લીકર ફેકટરીમાંથી આ જથ્થો ગુજરાત સુધી ઘુસાડવામાં આવ્યો હોય એસએમસીએ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી સપ્લાયરો સુધી પહોંચવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
