દાદાએ ધોકો પછાડતા જ કોર્પોરેશન જાગ્યું: તમામ પેન્ડિંગ ફાઇલો 7 દિ’માં ક્લિયર કરવા આદેશ

  સવારથી જ કમિશનર તુષાર સુમેરાનો મીટિંગનો ધમધમાટ: તમામ વિભાગના કાર્યોની સમીક્ષા કરાઇ: પાંચેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને ઝોનવાઇઝ ફાઇલો ક્લિયર કરવાની જવાબદારી: અઠવાડિયા પછી રિવ્યુ…

 

સવારથી જ કમિશનર તુષાર સુમેરાનો મીટિંગનો ધમધમાટ: તમામ વિભાગના કાર્યોની સમીક્ષા કરાઇ: પાંચેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને ઝોનવાઇઝ ફાઇલો ક્લિયર કરવાની જવાબદારી: અઠવાડિયા પછી રિવ્યુ મીટિંગ યોજાશે

ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં રાજયના તમામ મ્યુનિસિપલ કમિશનરોની મીટીંગ યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રી તરફથી દરેક શહેરમાં ટ્રાફિક, રોડ-રસ્તા, લોકોના અધુરા કામ અને પેન્ડીંગ ફાઇલો બાબતે કડક સુચના આપવામાં આવી હતી. જે બાદ બીજા જ દિવસે રાજકોટ મનપા એકશન મોડમાં આવી ગયું છે. આજે સવારથી કમિશનર તુષાર સુમેરાએ પાંચેય ડેપ્યુટી મ્યુનિ. કમિશનરો સહીતના અધિકારીઓની મીટીંગ બોલાવી હતી અને પેન્ડીંગ ફાઇલો તેમજ વિકાસ કાર્યો બાબતની સમીક્ષા બેઠક યોજી હતી.

આ અંગે મળતી માહીતી પ્રમાણે રાજકોટ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા મહાનગરપાલિકાની કાર્યક્ષમતામાં વધુ સુધારો લાવવા, વહીવટી પ્રક્રિયાઓમાં ગતિ લાવવા તથા શહેરના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતાને નવી દિશા આપવા હેતુસર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, શાખાધિકારીઓ તેમજ ત્રણેય ઝોનના વોર્ડ ઓફિસર્સ સાથે વિસ્તૃત રિવ્યુ બેઠક આજે તા.30-01-2026ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજવામાં આવી હતી.

આ બેઠકમાં વિવિધ સ્તરે પેન્ડિંગ રહેલી ફાઈલો, આવનાર વર્ષના વિકાસ કાર્યો, આગામી બજેટ આયોજન તથા સ્વચ્છ સર્વેક્ષણ 2026 માટેની તૈયારી અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક વિભાગના કાર્યોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાના તમામ વિભાગોના વિવિધ સ્તરે રહેલી પેન્ડીંગ ફાઈલોના નિકાલ અંગે સમીક્ષા કરવામાં આવી. આવી તમામ પેન્ડીંગ ફાઈલોનો એક અઠવાડિયામાં ફરજિયાત નિકાલ કરવાની સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.

વોર્ડ ઓફિસરઓને ત્રણ દિવસમાં વોર્ડ સ્તરે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરી પેન્ડીંગ ફાઈલોનો નિકાલ કરવા જવાબદારી આપવામાં આવી. તમામ પાંચ નાયબ મ્યુનિસિપલ કમિશનરઓને એક અઠવાડિયામાં પોતાના ઝોન અને ફાળવેલા વિભાગોની પેન્ડીંગ ફાઈલોના નિરાકરણ અંગે સુચના આપી હતી. એક અઠવાડિયા બાદ મ્યુનિસિપલ કમિશનર ઝોન લેવલે પેન્ડીંગ ફાઈલોના નિકાલ અંગે રીવ્યુ લેશે.
આ ઉપરાંત તમામ નાયબ મ્યુનિસિપલ કમિશનરોને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરી ફાઈલોના સમયસર નિકાલ તેમજ ફાઈલ ટ્રેકિંગની વ્યવસ્થા કરવા માટે 48 કલાકમાં એક્શન પ્લાન તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુ કરવા સુચના આપવામાં આવી હતી.

નિયત સમયમર્યાદા કરતાં વધુ સમય સુધી પેન્ડિંગ રહેલી ફાઈલો અંગે જવાબદારી નક્કી કરી સંબંધિત શાખાધિકારીઓને ઝડપી અને ગુણવત્તાપૂર્ણ નિકાલ માટે તાકીદ કરવામાં આવી. આ ઉપરાંત, દરેક વિભાગે પોતાની પેન્ડિંગ ફાઈલોનું શાખા વાઇઝ સાપ્તાહિક રિવ્યુ કરી નિકાલ અંગેના પગલાં લેવાની અને તેની માહિતી ઉચ્ચ અધિકારીઓને રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી.

હેલ્પલાઇન નંબર કે વોટસએપ પર નોંધાયેલી નાગરિકોની ફરિયાદમાંથી કોઈપણ 10નું રેન્ડમ ચેક કરી સ્થળ તપાસ કરાશે
તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તથા સંલગ્ન અધિકારીઓને તેમના-તેમના ઝોનમાં પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની રૂૂબરૂૂ સ્થળ સમીક્ષા કરવાની ફરજિયાત સૂચના આપવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની હેલ્પલાઈન નંબર-155304, વોટ્સએપ ચેટબોટ અને વેબસાઈટ પર નોંધાયેલી ફરિયાદોમાંથી દસ ફરિયાદો રેન્ડમ ચેક કરી તેની સ્થળ તપાસ કરવા અને નાગરિકો સાથે જનસંવાદ કરી સ્થળ પર ફરિયાદોના નિકાલની ખરાઈ કરી નિરાકરણ લાવવા, ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર અને વોર્ડ ઓફિસર્સને આદેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *