કેનેડાના બે કટકા કરવા ટ્રમ્પની તૈયારી, આલ્બર્ટા પ્રાંતના નેતાઓ સાથે મીટિંગ

ઓઇલથી સમૃધ્ધ પ્રાંત પર અમેરિકાનો ડોળો, ટ્રુડો સરકારની ચિંતા વધી ભારતને ખાલિસ્તાની મુદ્દે સલાહ આપનાર કેનેડા અત્યારે પોતે જ ગંભીર આંતરિક સંકટમાં ફસાયું છે. કેનેડાનો…

ઓઇલથી સમૃધ્ધ પ્રાંત પર અમેરિકાનો ડોળો, ટ્રુડો સરકારની ચિંતા વધી

ભારતને ખાલિસ્તાની મુદ્દે સલાહ આપનાર કેનેડા અત્યારે પોતે જ ગંભીર આંતરિક સંકટમાં ફસાયું છે. કેનેડાનો સૌથી ધનિક અને તેલના ભંડારો ધરાવતો ’આલ્બર્ટા’ પ્રાંત હવે દેશથી અલગ થઈને અમેરિકાની નજીક જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આલ્બર્ટામાં વધી રહેલી અલગતાવાદી પ્રવૃત્તિઓએ કેનેડાની ફેડરલ સરકારની ઊંઘ હરામ કરી દીધી છે.

તાજેતરના અહેવાલો મુજબ, આલ્બર્ટા પ્રોસ્પરિટી પ્રોજેક્ટ (APP) નામના સંગઠનના નેતાઓ વોશિંગ્ટનમાં અમેરિકી અધિકારીઓ સાથે ગુપ્ત રીતે મુલાકાત કરી રહ્યા છે. આ જૂથ આલ્બર્ટાની સ્વતંત્રતા માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ અલગતાવાદીઓએ અમેરિકી ટ્રેઝરી વિભાગ પાસે 500 અબજ ડોલરની ક્રેડિટ લાઇન (લોન) માંગી છે, જેથી જો તેઓ કેનેડાથી અલગ થાય, તો ’પ્રથમ દિવસ’થી જ પોતાની અર્થવ્યવસ્થા સંભાળી શકે.

આલ્બર્ટા કેનેડા માટે આર્થિક રીતે અત્યંત મહત્વનો છે. કેનેડાના કુલ તેલ ભંડારનો 90% હિસ્સો આ એકલા પ્રાંતમાં છે. જો આલ્બર્ટા અલગ થાય, તો કેનેડાની અર્થવ્યવસ્થા પાયમાલ થઈ શકે છે. અલગતાવાદી જૂથો હવે કેનેડાના અન્ય પ્રાંતોને બાયપાસ કરીને સીધા અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટ દ્વારા તેલની પાઈપલાઈન નાખવા માટે પણ ચર્ચાઓ કરી રહ્યા છે.

આ ઘટનાક્રમ બાદ કેનેડામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ ઇબીએ આ પ્રવૃત્તિને ’રાજદ્રોહ’ ગણાવી છે. નોંધપાત્ર બાબત એ છે કે, જે કેનેડા ભારત સામે ખાલિસ્તાની અલગતાવાદીઓના પક્ષે ઉભું રહેતું હતું, તે આજે પોતાના જ દેશના વિભાજનની વાતથી ધ્રૂજી ઉઠ્યું છે. ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે પણ આ બેઠકોને અનૈતિક ગણાવીને તેની ટીકા કરી છે.

વોશિંગ્ટને સત્તાવાર રીતે કહ્યું છે કે તેઓ નાગરિક જૂથોને મળતા રહે છે અને કોઈ પ્રતિબદ્ધતા આપી નથી. પરંતુ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ દ્વારા આલ્બર્ટાને અમેરિકાનો ’કુદરતી ભાગીદાર’ ગણાવતા ઓટ્ટાવા (કેનેડા સરકાર)માં શંકાઓ વધી છે. ટ્રમ્પ સમર્થકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર્સ તો આલ્બર્ટાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા સુધીની વાતો કરી રહ્યા છે.

હાલમાં આલ્બર્ટામાં આઝાદી માટે લોકમત (Referendum) યોજવા માટે હસ્તાક્ષર અભિયાન ચાલી રહ્યું છે. જો આ ઝુંબેશ સફળ થાય છે, તો કેનેડાના અસ્તિત્વ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *