1991માં 250 રૂપિયા ભરીને પ્લોટ મેળવનાર અરજદારો આજે પણ કાગળ પર જ માલિક
શહેરમાં સરકારી તંત્રની કામગીરી અને ગરીબો પ્રત્યેની સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરી જમીન (ટોચ મર્યાદા) અધિનિયમ 1976 હેઠળ જેમને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, તેવા અરજદારો આજે 32-32 વર્ષ પછી પણ પોતાના હકના ઘર માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.
સમગ્ર મામલે થયેલી અરજીમાં જણાવાયું છે કે, વર્ષ 1991માં ગુજરાત સરકારના આદેશ અનુસાર, રાજકોટ જિલ્લા અધિક કલેકટર દ્વારા શહેરી ગરીબોને 25 ચોરસ મીટરના પ્લોટ ફાળવવાનું નક્કી કરાયું હતું. ચેતનાબેન વિરમગામા, અરવિંદભાઈ પનારા અને પાલુબેન સોલંકી જેવા અનેક અરજદારોએ તે સમયે નિયમ મુજબ પ્રતિ ચો.મી. 10 લેખે કુલ 250 રૂૂપિયા સરકારી ચલણથી ભર્યા હતા. તંત્રએ તેમને ’ખાલી કબજા પાવતીઓ’ તો આપી દીધી, પરંતુ જમીનનો પ્રત્યક્ષ કબજો ક્યારેય સોંપ્યો નથી.
વર્ષ 2004માં રાજ્ય સરકારના ઠરાવ મુજબ પ્લોટને બદલે તૈયાર આવાસ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 2016માં ફરીથી પુરાવાઓ મંગાવવામાં આવ્યા, પણ પરિણામ શૂન્ય રહ્યું. અરજદારોનો આક્ષેપ છે કે છેલ્લા 32 વર્ષથી તેઓ મૌખિક અને લેખિત રજૂઆતો કરી કરીને થાકી ગયા છે, પરંતુ કોઈ ન્યાય મળ્યો નથી.
તાજેતરમાં રાજકોટ મહાનગર પાલિકાએ એવો જવાબ આપ્યો છે કે આ જમીન પર માથાભારે અને રાજકીય વગ ધરાવતા ઈસમોએ દબાણ કર્યું હોવાથી હાલ કંઈ થઈ શકે તેમ નથી. આ જવાબથી રોષે ભરાયેલા અરજદારોએ સવાલ કર્યો છે કે, “ગરીબોના ઝૂંપડા લશ્કરી ધોરણે હટાવતું તંત્ર સરકારી જમીન પરના ભૂમાફિયાઓ સામે કેમ લાચાર છે?”.
અરજદારોએ મુખ્યમંત્રી, કલેકટર અને કમિશનરને પત્ર લખીને માંગ કરી છે કે જો અન્ય જિલ્લાના અધિકારીઓ હિંમતપૂર્વક કામ કરી શકતા હોય, તો રાજકોટમાં કેમ નહીં?. હાલમાં આ મામલે અરજદારોએ સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા પોતાની વેદના સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ હાથ ધર્યા છે.
