‘ગદર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના સર્જક અનિલ શર્મા કાયદાકીય સંકજામાં

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ‘હુકુમત’ અને ‘ગદર: એક પ્રેમ કથા’ જેવી ઐતિહાસિક અને બ્લોકબસ્ટર ફિલ્મો આપીને પોતાની આગવી ઓળખ ઉભી કરનારા બોલીવુડના દિગ્ગજ પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને…

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ‘હુકુમત’ અને ‘ગદર: એક પ્રેમ કથા’ જેવી ઐતિહાસિક અને બ્લોકબસ્ટર ફિલ્મો આપીને પોતાની આગવી ઓળખ ઉભી કરનારા બોલીવુડના દિગ્ગજ પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને લેખક અનિલ શર્મા હાલ એક ગંભીર કાયદાકીય વિવાદમાં સપડાયા છે.

જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી અશોકભાઈ એચ. લાલ, કે જેઓ ફિલ્મ જગતના તોતિંગ નિર્માતાઓ, દિગ્દર્શકો અને ટોચના અભિનેતાઓ સાથે પારિવારિક ઘરોબો ધરાવે છે, તેમણે અનિલ શર્મા વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, અનિલ શર્માને પોતાના આગામી ફિલ્મ પ્રોજેક્ટ્સ અને નિર્માણ કાર્ય માટે મોટી રકમની તાતી જરૂૂરિયાત ઉભી થઈ હતી.

અશોકભાઈ લાલ સાથેના જૂના અને ગાઢ સંબંધોને કારણે અનિલ શર્માએ આર્થિક મદદ માટે તેમની પાસે માંગણી કરી હતી. મિત્રતા અને સંબંધોના દાવે, તથા અનિલ શર્માની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને અશોકભાઈ લાલે સદ્ભાવનાપૂર્વક મોટી રકમ હાથ ઉછીની આપી હતી. જોકે, વિશ્વાસના પાયા પર થયેલો આ આર્થિક વ્યવહાર આગળ જતાં કાયદાકીય લડાઈમાં પરિણમશે તેની કદાચ કોઈને કલ્પના નહોતી.

ઉછીની લીધેલી રકમ પરત ચૂકવવા માટે અનિલ શર્માએ અશોકભાઈ લાલને અલગ-અલગ ચેકો આપ્યા હતા. સમય જતાં અશોકભાઈ દ્વારા આ રકમની અનેકવાર ઉઘરાણી કરવામાં આવી હતી, પરંતુ અનિલ શર્મા દ્વારા યેનકેન પ્રકારે બહાના કાઢીને રકમ ચૂકવવામાં સતત ટાળમટાળ અને ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હતા. અંતે, બાકી નીકળતી રકમ વસૂલવા માટે અશોકભાઈ લાલે અનિલ શર્માએ આપેલા ચેકો પૈકી ₹10,00,000 (દસ લાખ)ની રકમના ત્રણ ચેકો પોતાની બેંકમાં જમા કરાવ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે આ ત્રણેય ચેકો બેંકમાંથી “”OTHERS-INOPERATIVE ACCOUNT”” (એકાઉન્ટ બંધ અથવા ઓપરેશનમાં નથી) તેવા શેરા સાથે પરત ફર્યા હતા.

ચેક રિટર્ન થવાની આ ગંભીર ઘટના બાદ, અશોકભાઈ લાલે કાયદાકીય રાહે આગળ વધવાનો નિર્ણય લીધો હતો. તેમણે પોતાના એડવોકેટ પિયુષ વી. ભોજાણી મારફતે અનિલ શર્માને ’ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ની કલમ 138 મુજબ લીગલ નોટિસ પાઠવી હતી. આ નોટિસ અનિલ શર્માને બજી ગઈ હોવા છતાં, તેમના તરફથી કોઈ પણ પ્રકારનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો કે રકમની પરત ચુકવણી કરવામાં આવી ન હતી.

આખરે, નાછૂટકે અને ન્યાય મેળવવાના હેતુથી ઉદ્યોગપતિ અશોકભાઈ એચ. લાલે જામનગરની સક્ષમ કોર્ટમાં બોલીવુડના નિર્માતા અનિલ શર્મા વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. એક તરફ બોલીવુડના નામી નિર્માતા અને બીજી તરફ જામનગરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વચ્ચેનો આ કેસ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં ફરિયાદી અશોકભાઈ એચ. લાલ વતી જામનગરના જાણીતા ’ભોજાણી એસોસિયેટ્સ’ના યુવા અને તેજસ્વી ધારાશાસ્ત્રી શ્રી પિયુષ વી. ભોજાણી રોકાયેલા છે. તેમની સાથે લીગલ ટીમમાં એડવોકેટ ભાવિન વી. ભોજાણી, કિશોરી ડી. ભટ્ટ, ભાવિન જે. રાજદેવ, આદિત્યદાન એસ. ગઢવી, અર્શ વાય. કાસમાણી, સચિન યુ. જોશી, અલકા પી. નથવાણી, જાનકી ગાગિયા તથા કૈલાશ નંદાણીયા જેવા બાહોશ વકીલો આ કેસમાં કાનૂની સેવા આપી રહ્યા છે. કોર્ટમાં દાખલ થયેલી આ ફરિયાદ બાદ હવે કાયદાકીય પ્રક્રિયા શું વળાંક લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *