જેતપુરના ભોજાધાર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી નામચીન મહિલા પાસેથી રૂા.24 હજારનો ગાંજો કબજે કર્યો હતો. મહિલા પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને વેચાણ કરતી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતી મહિલા માકીબેન ઉર્ફે મનિષા આતીયાભાઈ મોઢવાડીયાના ઘરે જેતપુર પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો હતો.
મહિલા પોલીસને સાથે રાખી જેતપુર પોલીસે પાડેલા દરોડામાં આ મહિલાના ઘરમાં સર્ચ કરવામાં આવતાં રૂા.24 હજારની કિંમતનો 488 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ મામલે જેતપુર પોલીસે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. છેલ્લા ઘણા વખતથી જેતપુર વિસ્તારમાં માદક પદાર્થોનું વેચાણ વધ્યું હોય જેને રોકવા માટે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા કડક સુચના આપવામાં આવી હોય જેતપુર પોલીસે આ મામલે બાતમીના આધારે મહિલાના ઘરમાં દરોડો પાડયો હતો અને જ્યાંથી 24 હજારનો ગાંજો મળી આવ્યો હતો. આ મહિલા ગાંજાની પડીકી બનાવી બંધાણીને વેચતી હોવાનું જાણવા મળ્યું છે.
આ ગાંજાનો જથ્થો આ મહિલા કયાંથી લાવી ? તે સહિતની બાબતો ઉપર હાલ જેતપુર પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે અને આ મામલે ગાંજાના જથ્થાનો એફએસએલ અધિકારી પાસે અભિપ્રાય મેળવી મહિલાની રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ મહિલા ગાંજો કયાંથી લાવી તે ખુલ્યા બાદ સપ્લાયર સુધી પહોંચવા પોલીસ આગળની કાર્યવાહી કરશે.
