શહેરના મોટા ગજાના ફાઈનાન્સર અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે વડાલીયા ફૂડસ પરિવાર સાથે રૂૂા.10.98 કરોડની છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચે ફાઈનાન્સર અમિત ભાણવડીયાની ધરપકડ કરી તેના પાંચ રિમાન્ડ મેળવી પુછપરછ શરૂૂ કરી છે. ત્યારે અમિત ભાણવડીયાના રીમાન્ડ પૂર્ણ થતા વધુ પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. છેતરપીંડીનો ભોગ બનેલા રોકાણકારો દરરોજ ક્રાઈમ બ્રાંચે અરજી માટે આવી રહ્યા છે. જેમાં ક્રાઈમ બ્રાંચે અમિત સામેના પુરાવા એકત્ર કરવાનું શરૂૂ કર્યું છે અને અમિત ભાણવડીયાના ભાગીદારો ઉપરાંત તેના આર્થિક વ્યવહારોનો હિસાબ રાખતા સીએ સાથે એકાઉટન્ટ સહીતના 30 ની પુછપરછ કરી છે તેમજ અમિત ભાણવડીયાની મિલકતો અને આર્થિક વ્યવહારોની તપાસ માટે કલેકટર કચેરી પાસેથી મિલકતોની માહિતી મંગાવી છે.
અમિત અને તેના ભાગીદાર વિજયે શરૂૂઆતમાં દર મહિના 3 ટકા ત્યાર બાદ 2 અને અને દોઢ ટકા બાદ માસિક 1 ટકાના વળતરની લાલચ આપી ભાગીદારીમાં કપચીનો વેપાર ધંધો કરીવાની લાલચ આપી રોકાણકારો પાસેથી 50 હજારથી લઇ 10 કરોડ જેટલી રકમ ઉઘરાવી હતી. આશરે 100 કરોડના વ્યવહાર કરી ગુમ થયેલ અમિત ભાણવડીયાએ ગામ પાસે ઉઘરાવેલ કોરોડો રૂૂપિયા ગયા ક્યાં તે મુદ્દો તપાસનો વિષય બન્યો છે. અમિત ભાણવડીયા પાસે મોટા માથાઓએ મિલકત લખવી લીધી હોવાની વાત પણ સામે આવી રહી છે. તે મામલે પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. તેમજ અમિત ભાણવડીયાની મિલકતો અને વ્યવહારોની તપાસ સાથે ક્રાઈમ બ્રાંચે કલેકટર કચેરી પાસેથી અમિત ભાણવડીયાના નામની મિલકતોની વિગતો મંગાવી છે. અમિત ભાણવડિયા અને વિજય માકડીયા સામે ગુનો નોંધાયા બાદ ભોગ બનનાર વધુ રોકાણકારો ક્રાઈમ બ્રાંચ ખાતે ફરિયાદ કરવા આવી રહ્યા છે. જે તમામ પાસેથી લેખિત અરજીઓ લેવામાં આવી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાનાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસ ચલાવી રહી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા અમીત રમેશ ભાણવડીયાના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા વધુ રીમાન્ડ માંગ્યા હતા.કોર્ટે વધુ 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે..
