મુખ્ય બજારોમાં મીનીમમ ભાડુ 10,000થી વધુ છે છતાં વર્ષોથી જૂનુ ભાડુ વસુલી હપ્તાથી ખીસ્સા ભરવાનું કારસ્તાન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા મુખ્ય બજારોમાં પોતાના પ્લોટ ઉપર દુકાનો બનાવી લોકહિત માટે વેપારીઓને નજીવા ભાડાથી આપવામાં આવી હતી. નિયમ મુજબ દર વર્ષે ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો હોય છે પરંતુ વર્ષોથી ભાડા પર રહેલ આ દુકાનો આજે પણ સરેરાશ રૂા.166ના માસિક ભાડાથી વેપારીઓ વાપરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. અલગ અલગ વિસ્તારો અને શોપીંગ સેન્ટરોમાં આવેલી 352 દુકાનો થકી મનપાને ફકત વાર્ષિક રૂા.7.07 લાખની જ આવક થઈ રહી છે. જેની સામે અમુક કર્મચારીઓ દ્વારા દુકાનોના આસામીઓ પાસેથી દર મહિને અમુક ચોક્કસ રકમ ઉઘરાવી તેમને જુના ભાડામાં યથાવત રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવી ચર્ચા જોવા મળી છે.
મહાનગરપાલિકા દ્વારા જુના રાજકોટમાં તેમજ મુખ્ય સર્કલ ઉપર આવેલ શોપીંગ સેન્ટરોમાં વર્ષો પહેલા 352 વેપારીઓને તે સમયના પરંતુ નજીવા ભાડાથી દુકાનો ભાડે આપી હતી. નિયમ મુજબ દર મહિને અથવા દર વર્ષે ભાડામાં અમુક ટકાનો વધારો થતો હોય છે. પરંતુ એસ્ટેટ વિભાગ દ્વારા આ મુદ્દે કયારેય કોઈ જાતના પગલાં લીધા નથી. થોડા સમય પહેલા મનપાની નજીવા ભાડાની દુકાનોમાંથી પણ ભાડુ ઉઘરાવવામાં તંત્રને આંખે અંધારા આવી ગયા હતાં. છતાં નિયમનો ઉલ્લંઘન કરી ભાડામાં વધારો ન કરી આજે પણ અનેક દુકાનોનું જુનુ ભાડુ ઉઘરાવવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે. અલગ અલગ વિસ્તારોમાં આવેલ 352 દુકાનો થકી મનપાને ફકત રૂા.7.07 લાખની વાર્ષિક આવક થઈ રહી છે. જાણકારોના મતે આ દુકાનો આજના ભાડા મુજબ આપવામાં આવે તો મહાનગરપાલિકાની આ આવક કરોડોમાં થવા જાય છે. પરંતુ યેનકેન પ્રકારે આજ સુધી દુકાનોના ભાડા વધારવામાં આવ્યા નથી. તેમજ આ દુકાનો મુખ્ય બજારોમાં હોવાથી માલિકોને પણ આવકમાં બખ્ખા થતાં હોય અમુક ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા આ પ્રકારના દુકાનદારો પાસેથી માસિક હપ્તા લેવામાં આવતાં હોવાનું અમુક વેપારીઓ જ કહી રહ્યાં છે.
મહાનગરપાલિકાએ દુકાનો ઉપરાંત અનેક શાકમાર્કેટોમાં થળાઓ તથા ખડપીઠ, કવાટર, શાળા, એટીએમ, બેંક, ફુડ કોટ, કોમ્યુનિટી હોલ, ખાલી પ્લોટ, ઓડીટોરીયમ અને ફન વર્લ્ડ સહિતની પ્રોપર્ટીઓ ભાડેથી આપેલ છે. જે પૈકી હજુ પણ અમુક મિલકતોમાંથી જુના ભાડા દર પેટે માસિક ભાડુ અથવા વાર્ષિક ભાડુ વસૂલવામાં આવી રહ્યું છે. આથી મનપા દ્વારા જો તમામ દુકાનોની હાલની વેલ્યુસર અને બજાર ભાડા મુજબ આકરણી કરી નવું ભાડુ વસુલવામાં આવે તો તંત્રને કરોડો રૂપિયાની આવક થઈ શકે તેમ છે. છતાં આજ સુધી એસ્ટેટ વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અથવા કરવામાં નથી દેવાતી તેવું લાગી રહ્યું છે.
અલગ અલગ મિલકતોની વાર્ષિક આવક
1. શોપીંગ સેન્ટર (352 દુકાનો) 7.07
2. બેન્ક (2) 55.24
3. શાળા (07) 0.12
4. એ.ટી.એમ.(1) 0.25
5. કવાર્ટર (11) 0.20
6. શાકમાર્કેટ (6) 31.09
7. ટી.પી.પ્લોટ (7) 70.79
8. કોમ્યુનિટી હોટલ (22) 197.00
9. ઓડીટોરીયમ (5) 59.00
