જસદણના કમળાપુર પાસે કપાસ ભરેલા ટ્રક બાઈકને હડફેટ લઇ પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માતમાં બાઈક સવાર બે મિત્રોના મોત નીપજ્યા હતા.જ્યારે ટ્રકના ડ્રાઈવર, કલીનરને ઈજા થઈ હતી.
ઘટનાની વિગત મુજબ મોરબીથી કપાસ ભરીને જસદણ તરફ જઈ રહેલ ટ્રક નંબર જીજે 3 ટી-0911 જસદણના કમળાપુર ગામ નજીક પહોચ્યો ત્યારે ટ્રક અને બાઈક નંબર એમપી-69-ઝેડડી-0607 વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર બાદ કપાસ ભરેલો ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે મિત્રો શંભુભાઈ બદરિયા માંડવા અને જીતેશ નાથાભાઈ કુમારના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
ટ્રક પલટી મારી જવાથી ડ્રાઈવર મુકંદરભાઈ રજાકભાઈ મુલતાની અને ક્લીનરને પણ ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાની સાથે જ ભાડલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઈ-વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
