સાંસદ રૂપાલાના વિચારને લેઉવા પટેલ સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામનું પણ સમર્થન
લગ્નપ્રસંગોમાં અતિશય ખર્ચ પણ ચિંતાનો વિષય, સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપવું જરૂરી: પ્રવકતાનું નિવેદન
રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ પાટીદારો દ્વારા લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ અને આડંબર અંગે સમાજને અરિસો બતાવ્યા બાદ હવે લેઉવા પટેલ સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામે પણ સંસદસભ્ય રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે અને ખોડલધામના પ્રવકતા હસમુખભાઇ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, લગ્ન એ સંસ્કાર છે, ખેલ નથી. તેમણે સમુહ લગ્નોને પ્રોત્સાહન આપવા અને છુટાછેડાના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યકત કરી માતા- પિતાને પોતાના સંતાનોને સમજાવવા અપીલ કરી હતી.
લગ્ન પ્રસંગોમાં થતા અંધાધૂંધ ખર્ચ અને વધતા જતા છૂટાછેડાના પ્રમાણને લઈને સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલાએ કરેલા નિવેદનને સમર્થન મળી રહ્યું છે, લેઉવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પરસોત્તમભાઈ રૂૂપાલાના નિવેદનને ખુલ્લું સમર્થન જાહેર કરાયું છે,ખોડલધામના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયાએ આ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, પરસોત્તમભાઈએ જે વાત કરી છે તે સમાજની વાસ્તવિકતા છે અને તે દિશામાં ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.
હસમુખભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં લગ્ન પ્રસંગોમાં જે પ્રકારે અતિશય ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તે ખરેખર ચિંતાનો વિષય છે. દેખાદેખીમાં આવીને લોકો પોતાની ક્ષમતા બહાર જઈને ખર્ચ કરે છે, જે આર્થિક રીતે પણ નુકસાનકારક છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ખોડલધામ સંસ્થા હંમેશા સાદગીના પક્ષમાં રહી છે. ખોડલધામ દ્વારા સમયાંતરે સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર આવતો આર્થિક બોજ ઓછો કરવાનો અને સમાજમાં એકતા સ્થાપિત કરવાનો છે.
સનાતન હિન્દુ સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા ખોડલધામના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે લગ્ન એ કોઈ ખેલ નથી, પરંતુ તે જીવનના સોળ સંસ્કારોમાંનો એક પવિત્ર સંસ્કાર છે.
વર્તમાન સમયમાં યુગલોમાં વધતા જતા છૂટાછેડાના પ્રમાણ પર પણ હસમુખભાઈએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, નાની-નાની વાતોમાં સંબંધો તૂટી રહ્યા છે જે સામાજિક માળખા માટે જોખમી છે. આ બાબતે માતા-પિતાની ભૂમિકા અત્યંત મહત્વની છે. વાલીઓએ પોતાના સંતાનોને લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવાની અને પરસ્પર સમજૂતીથી રહેવાની શીખ આપવી જોઈએ. જો વડીલો મધ્યસ્થી બનીને સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપે, તો છૂટાછેડાના કિસ્સામાં મોટો ઘટાડો થઈ શકે છે. પરસોત્તમભાઈ રૂૂપાલાના આ નિવેદનને ખોડલધામ જેવી મોટી સંસ્થાનું સમર્થન મળતા હવે સામાજિક સ્તરે ’સાદા લગ્ન, સુખી જીવન’ની ચર્ચાએ જોર પકડ્યું છે.
ઔદિચ્ય બ્રહ્મ સમાજે પણ 28 મુદ્દાનું બંધારણ ઘડયું, પ્રિ-વેડિંગ-ડીજે બંધ
આજના આધુનિક યુગમાં પ્રી-વેડિંગ શૂટ, ભવ્ય ડેકોરેશન અને મસમોટા જમણવાર પાછળ લોકો પોતાની ક્ષમતા બહાર જઈને ખર્ચ કરે છે. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમાજો જાગૃત થઈ રહ્યા છે, ત્યારે ઔદિચ્ય બ્રહ્મ સમાજે પણ આ દિશામાં મજબૂત કદમ ઉઠાવ્યા છે. આનંદ ભવન ખાતે યોજાયેલી આ સભામાં સમાજના પ્રમુખો, મંત્રીઓ અને વડીલોએ ચિંતા વ્યક્ત કરી હતી કે સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂૂરી ખર્ચને કારણે પરિવારો દેવામાં ડૂબી રહ્યા છે.
સભામાં સર્વાનુમતે 28 જેટલા મહત્વના મુદ્દાઓ પર મહોર મારવામાં આવી હતી. આ બંધારણમાં મુખ્યત્વે લગ્ન, સીમંત અને મરણ પ્રસંગોને સાદગીપૂર્ણ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં હવેથી લગ્નમાં સાદી કંકોત્રી જ છપાવવી પડશે. ડેકોરેશન, પ્રી-વેડિંગ શૂટ, હલ્દી અને મહેંદી જેવા પ્રસંગો પાછળ થતો મોટો ખર્ચ બંધ કરવાનું નક્કી કરાયું છે. તથા લગ્ન પ્રસંગે જમણવારમાં માત્ર 5 જ વાનગીઓ રાખી શકાશે. ચાઈનીઝ, પંજાબી કે કાઠિયાવાડી જેવી વિદેશી કે ભારે વાનગીઓ પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત વર-ક્ધયાએ બ્રહ્મ સમાજની ગરિમાને શોભે તેવા જ કપડાં પહેરવા પડશે. લગ્નમાં ડીજે કે ગાયક કલાકારો બોલાવવા પર રોક લગાવાઈ છે. આ ઉપરાંત જાનમાં માત્ર 11 વાહનો જ લઈ જઈ શકાશે અને દારૂૂખાનું ફોડવા પર પણ મનાઈ ફરમાવી છે અને લગ્ન પ્રસંગમાં 5 તોલાથી વધુ સોનું આપવું નહીં અને ચાંદીમાં માત્ર પગની પાયલ જ આપવી તેવી જોગવાઈ કરવામાં આવી છે.
આ સામાજિક બંધારણ માત્ર કાગળ પર ન રહે તે માટે સમાજે કડક દંડની જોગવાઈ પણ કરી છે. જો કોઈ પરિવાર આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેને રૂૂપિયા 2,00,000 (બે લાખ) નો દંડ ફટકારવામાં આવશે. આટલું જ નહીં, જરૂૂર પડે તો સમાજમાંથી બહિષ્કૃત કરવા જેવા કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવી છે. આ નિર્ણયને 150થી વધુ ગામના પ્રતિનિધિઓએ હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ બંધારણ આજથી જ અમલમાં આવશે અને તે આવનારી પેઢી માટે આશીર્વાદરૂૂપ સાબિત થશે. પાટણના બ્રહ્મ સમાજ દ્વારા લેવાયેલો આ નિર્ણય સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
