મફતમાં ટી.પી.કપાતમાં લીધેલી જમીનનું હરાજીથી વેચાણ થઈ શકે ? મોટો કાનૂની મુદ્દો

જાહેર સુખાકારી માટે મેળવેલી જમીન વેંચી રોકડી કરી લેવાની મહાનગરપાલિકાની મુરાદ કાનૂની શંકાના દાયરામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી રૂા.360 કરોડની અસપેટ પ્રાઈઝ સાથે સોનાની લગડી…

જાહેર સુખાકારી માટે મેળવેલી જમીન વેંચી રોકડી કરી લેવાની મહાનગરપાલિકાની મુરાદ કાનૂની શંકાના દાયરામાં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી રૂા.360 કરોડની અસપેટ પ્રાઈઝ સાથે સોનાની લગડી જેવા સાત પ્લોટની હરરાજી શરૂ કરવામાં આવી છે. ત્યારે મહાનગર પાલિકાએ ખેડૂત ખાતેદારની જમીનમાંથી ટી.પી.ના નામે મફતમાં કપાત લીધેલી 40 ટકા જમીન પણ જાહેર સુખાકારીના હેતુ માટે વાપરવાના બદલે હરરાજીથી જમીન વેંચી રોકડી કરી લેવાના પ્રયાસો કરતાં કાનુની નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે બે ખેડૂતો હાઈકોર્ટમાં પહોંચ્યા છે.

આ વિવાદના પગલે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખેડૂતો પાસેથી મફતમાં ખંડીલેવામાં આવેલી જમીન જાહેર હરરાજીથી વેંચી શકાય કે કેમ ? તેવો સવાલ ઉઠયો છે અને આ મુદ્દો આગામી દિવસોમાં કાનૂની વિવાદમાં પણ ફેરવાઈ શકે છે. અત્યાર સુધી આવી બાબતો તરફ કોઈ ખેડૂત ખાતેદારોએ ખાસ ધ્યાન આપ્યું નથી પરંતુ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના પુત્ર મૌલીક મોકરીયા તેમજ રેલનગરના ખાતેદારે મહાપાલિકા દ્વારા થઈ રહેલી જમીનની હરરાજી સામે જાહેર નોટિસ આપી છે અને મહાનગરપાલિકાને પણ નોટિસ ફટકારી છે.
મહાનગરપાલિકા દ્વારા ટી.પી.સ્કીમ નં.9માં આવેલ ફાઈનલ પ્લોટ નં.સી-9 વાળી 3713 ચોરસ મીટર જમીન કોમર્શિયલ હેતુ માટે ઓકશનમાં મુકવામાં આવી છે. 150 ફુટ રીંગરોડ પાસે એચ.સી.જી.હોસ્પિટલ રોડ ઉપર આવેલ આ પ્લોટનો ચોરસ મીટરની અપસેટપ્રાઈઝ રૂા.90 હજાર મુકવામાં આવી છે. આ જમીનની ઓછામાં ઓછી વેંચાણ કિંમત રૂા.33 કરોડ 41 લાખ નક્કી કરાઈ છે.

જો કે, આ જમીન મૌલીક મોકરીયાની ખેતીની જમીનમાંથી ટી.પી.કપાતમાં તદન મફતમાં મહાનગરપાલિકાએ મેળવી છે. આ માટે એક રૂપિયાનું પણ વળતર ચુકવ્યું નથી અને ખેડૂતો પાસેથી જાહેર સુખાકારી એટલે કે, બાગ-બગીચા, શાળા, આરોગ્યભવન, આવાસ યોજના જેવા હેતુઓ માટે ટી.પી.કપાતમાં જમીન લેવામાં આવતી હોય છે ત્યારે આવી જમીનોનું મહાનગરપાલિકા વેંચાણ કરી શકે કે કેમ ? તે સવાલ ઉઠયો છે.

લેન્ડડિસ્પોઝલ એકટ મુજબ જે જમીન વળતર આપીને સંપાદિત કરેલી હોય અથવા રાજ્ય કે, કેન્દ્ર સરકારે ફાળવેલી જમીનનું જ મહાપાલિકા જાહેર હરરાજીથી વેંચાણ કરી શકે છે ત્યારે વળતર આપ્યા વગર મેળવેલી જમીન જાહેર હરરાજીથી વેંચાણ કઈ રીતે થઈ શકે ? કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે, કપાતમાં લીધેલી જમીનના વેંચાણ અંગે જમીન સંપાદન વખતે કરારનામું કરેલ હોય તો જ વેચાણ કરી શકાય છે. પરંતુ રાજકોટ કોર્પોરેશને હરરાજીમાં મુકેલા પ્લોટનું કોઈ વળતર ચુકવ્યું નથી કે કરાર પણ કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *