પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રેલવે સુરક્ષા દળ (RPF ) એ વર્ષ 2025 દરમિયાન સુરક્ષા, સતર્કતા અને માનવીય સંવેદનાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આઈજી-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાની ના કુશળ માર્ગદર્શન તથા ડિવિઝન સુરક્ષા કમિશનર કમલેશ્વર સિંહ ના પ્રભાવી નિરીક્ષણ હેઠળ RPF એ મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે તેમનો વિશ્વાસ જીતવામાં પણ સફળતા મેળવી છે.
વર્ષ 2025 (જાન્યુઆરી થી ડિસેમ્બર) ની મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે: ઓપરેશન અમાનત (પ્રામાણિકતાનું ઉદાહરણ): રેલ મુસાફરી દરમિયાન ભૂલથી છૂટી ગયેલા સામાનને મુસાફરો સુધી પહોંચાડવામાં RPF એ તત્પરતા દાખવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન 339 મુસાફરોનો કુલ રૂ. 40,76,362/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે શોધી કાઢી તેમને સુપરત કરવામાં આવ્યો હતો.
ઓપરેશન નન્હે ફરિશ્તે (વિખૂટા પડેલાઓને મિલાવ્યા): સ્ટેશનો અને ટ્રેનોમાં બિનવારસી અથવા પોતાના પરિવારથી વિખૂટા પડેલા 24 બાળકોને RPF એ રેસ્ક્યૂ કર્યા અને સંપૂર્ણ સુરક્ષા સાથે તેમના પરિવારજનો સાથે મિલાવીને તેમના ચહેરા પર સ્મિત પાછું લાવ્યા. ઓપરેશન ડિગ્નિટી : વિપરીત સંજોગોને કારણે પોતાના પરિવારથી દૂર થયેલા 08 વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. ઓપરેશન રેલ સુરક્ષા અને ઉપલબ્ધ : રેલવે સંપત્તિની સુરક્ષા કરતા 30 કેસોમાં 81 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ટિકિટોના કાળાબજાર વિરુદ્ધ 13 વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓપરેશન સમય પાલન : ટ્રેનોની ગતિ ન અટકે તે માટે ગેરકાયદેસર ચેઈન પુલિંગ કરનારા 454 આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશન યાત્રી સુરક્ષા: મુસાફરોના સામાનની ચોરી અટકાવવા માટે સક્રિય રહીને 07 આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે જીઆરપી (ૠછઙ) ને સોંપવામાં આવ્યા હતા. ઓપરેશન જનજાગૃતિ : RPF એ માત્ર કાર્યવાહી જ નથી કરી, પરંતુ મુસાફરોને જાગૃત પણ કર્યા છે. ગ્રામ સરપંચો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથેની બેઠકો દ્વારા પથ્થરમારો અટકાવવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી વિરુદ્ધ જન-અભિયાન ચલાવવામાં આવ્યું હતું. RPF રાજકોટ ડિવિઝનની આ સિદ્ધિઓએ સાબિત કરી દીધું છે કે ભારતીય રેલવે માત્ર મુસાફરીનું માધ્યમ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને સેવા માટે પણ સંપૂર્ણપણે સમર્પિત છે.
