લક્ષ્મીનગર યુવકના ઘરે યુવતીના પરિવારજનો ધોકા અને હથિયાર સાથે પહોંચ્યા, ધમકી આપી કે આજે તમને મારી જ નાખવા છે
રાજકોટ શહેરનાં લક્ષ્મીનગર મેઇન રોડ પર ફિલ્ડમાર્શલ વાડીની બાજુમા રહેતા યુવાને પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતી સાથે મનમેળ ન થતા બંને રાજીખુશીથી છ મહીના બાદ છુટા પડી ગયા હતા. ત્યારબાદ ગઇકાલે ફરીથી યુવતીએ ફોન કરી યુવક સાથે રહેવા ચાલી ગઇ હતી. જે કારણે યુવતીનાં પરીવારજનો ધોકા અને તીક્ષ્ણ હથીયાર લઇ યુવકનાં ઘરે પહોંચ્યા હતા અને પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . આ ઘટનામા પોલીસે યુવતીનાં પરીવારજનો વિરુધ્ધ ગુનો નોંધી તમામની શોધખોળ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ લક્ષ્મીનગર મેઇન રોડ ફિલ્ડમાર્શલની વાડી પાસે રહેતા હર્ષીત ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (ઉ. વ. રપ ) નામનાં યુવાને પોતાની ફરીયાદમા હરેશ હેરભા , યુવરાજ હેરભા , સમીર હેરભા અને ધ્રુવપાલ હેરભાનુ નામ આપતા તમામ સામે ગુનો નોંધવામા આવ્યો છે આ ફરીયાદમા હર્ષીતે જણાવ્યુ હતુ કે તેઓને દશેક મહીના પહેલા હાથીખાના પાસે રહેતી વીરાલી હરેશભાઇ હેરભા સાથે પ્રેમ સબંધ થતા પ્રેમ લગ્ન કર્યા હતા અને છ મહીના સાથે રહયા બાદ બંને વચ્ચે મનમેળ ન થતા બંને રાજીખુશીથી છુટાછેડા લઇ લીધા હતા અને વીરાલી પોતાનાં પીયર ચાલી ગઇ હતી.
ત્યારબાદ ગઇકાલે સાંજનાં સમયે વીરાલીએ પુર્વ પતિ હર્ષિતને કોલ કરી મારે તારી સાથે રહેવુ છે તુ મને લઇ જા તેવુ કહેતા હર્ષીતે વીરાલીને પોતાનાં ઘરે લઇ ગયો હતો અને બાદમા રાત્રીનાં સમયે વીરાલીનાં પિતા હરેશભાઇ હેરભા સહીતનાઓ હર્ષીતનાં ઘરે તીક્ષ્ણ હથીયાર અને ધોકા લઇ પહોંચી ગયા હતા અને ત્યા બુમો પાડતા હતા કે તમને બધાને પતાવી દેવા છે બધા બહાર નીકળો . તેમ કહેતા હર્ષીતનાં માતાએ 112 મા કોલ કરી દીધો હતો આ દરમ્યાન હર્ષીતનો નાનો ભાઇ જૈમીન ઘરની બહાર નીકળતા તેમની સાથે આરોપીએ મારા મારી કરવા લાગ્યા હતા . અને છરી ધોકા વડે બેફામ માર માર્યો હતો અને આ સમયે 112 આવી જતા તમામ લોકો ભાગી ગયા હતા.
