ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે, જેમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12માં 76,612 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વખતે પ્રથમ વખત પ્રિ-બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનામાં પ્રિલિમનરી એક્ઝામ પ્રિ-બોર્ડ એક્ઝામ તરીકે લેવાશે.
આ પરીક્ષામાં બોર્ડ જેવો માહોલ હશે, જેથી બોર્ડની મુખ્ય પરીક્ષા વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના તણાવ વિના આપી શકશે. રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં 45,421 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ધોરણ 12 સાયન્સમાં 7,984 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 23,207 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂૂ થશે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16મી માર્ચે પૂર્ણ થશે. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 18 માર્ચ, 2026ના પૂર્ણ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પ્રિ-બોર્ડ એકઝામનું આયોજન આ વખતે પ્રથમ વખત કરવામાં આવ્યું છે. જેના માટે સેલ્ફ ફાઇનાન્સ યુનિયન તેમજ સંચાલક મંડળ, શિક્ષક સંઘ અને આચાર્ય સંઘ સાથે બેઠક યોજાઈ ચૂકી છે. તમામ સ્કૂલોમાં પ્રિલિમિનરી પરીક્ષા ચાલુ માસમાં લેવાતી હોય છે, ત્યારે તે પરીક્ષા પ્રિ-બોર્ડ એકઝામ તરીકે લેવાશે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલથી પરિચિત થાય અને નિર્ભય રીતે પરીક્ષા આપી શકે.
બોર્ડની પરીક્ષા ચોરી મુક્ત માહોલમાં યોજાય તે માટે બોર્ડની ગાઈડલાઈન મુજબ આયોજન કરવામાં આવનાર છે. સ્કૂલોને વધારાનું ડિસ્ટર્બન્સ ન થાય અને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી પરિચિત થાય તે માટે આ વખતે પ્રિ-બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા એ જ રીતે લેવાશે જે રીતે બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે. એટલે કે તેમાં સ્ક્વોડ, બારલોડ સ્ટીકર, નિયત સમય અગાઉ એન્ટ્રી, ઈઈઝટથી મોનિટરિંગ એ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે.
