જૂનાગઢ જિલ્લા જેલ અત્યારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ગઈકાલે જેલના પરિસરમાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટ્રોસિટી અને છેડતીના કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને અન્ય કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ ઘટનામાં ગટરના ઢાંકણા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની અને જ્ઞાતિસૂચક અપશબ્દો બોલાયા હોવાની સામસામી ફરિયાદો નોંધાઈ છે.
મૂળ કોડીનારના અને હાલ કાચા કામના આરોપી સાગર કાનજીભાઈ ચાવડાએ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં હરેશ સાવલિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. સાગરના તે જેલના દવાખાના પાસે ઉભો હતો ત્યારે હરેશ સાવલિયા ત્યાંથી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલતા નીકળ્યા હતા. જ્યારે સાગરે તેમને અટકાવ્યા ત્યારે હરેશ સાવલિયા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. વધુમાં આક્ષેપ છે કે હરેશ સાવલિયાએ તમે લોકોએ મારી ઉપર ખોટો એટ્રોસિટીનો કેસ કર્યો છે તેમ કહીને મારી નાખવાના ઇરાદે ગટરનું ઢાંકણું ઉપાડી સાગરના માથામાં માર્યું હતું. સાગર હટી જતાં તેનો બચાવ થયો હતો. પરંતુ નીચે પછાડી દઈને તેને જીવલેણ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
બીજી તરફ, ’આપ’ના નેતા હરેશ સાવલિયાએ પણ સાગર ચાવડા અને અન્ય 7 અજાણ્યા કેદીઓ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. સાવલિયાના જણાવ્યા મુજબ, તેઓ પોતાની મુલાકાત પૂરી કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે સાગર અને તેની ટોળકીએ ગેરકાયદેસર મંડળી રચી તેમને રોક્યા હતા. કોઈપણ કારણ વગર આ શખ્સોએ તેમને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હરેશ સાવલિયાને ઈજાઓ પહોંચતા તેમને પોલીસ જાપ્તા હેઠળ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે સાગર ચાવડાની ફરિયાદ પરથી હરેશ સાવલિયા વિરુદ્ધ ઇગજની નવી કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
જેમાં કલમ 109(1), 115(2), 296(ઇ) અને એટ્રોસિટીની વિવિધ કલમોનો સમાવેશ થાય છે. જ્યારે હરેશ સાવલિયાની ફરિયાદ પરથી સાગર ચાવડા અને અન્ય 8 શખ્સો વિરુદ્ધ ઇગજ કલમ 189(2), 115(2) અને 351(3) મુજબ ગુનો નોંધી એ.એસ.આઈ. આર.એ. બાબરીયાએ વધુ તપાસ હાથ ધરી છે. આ હિંસક અથડામણને પગલે રાજકીય આલમમાં પણ ચર્ચાઓ તેજ બની છે, કારણ કે હરેશ સાવલિયા આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના મોટા ગજાના નેતા છે. હાલમાં જેલ પ્રશાસને બંને જૂથના કેદીઓને અલગ-અલગ બેરેકમાં ખસેડી સુરક્ષા સઘન બનાવી છે.
