વડાપ્રધાન 10મીએ આવી શકે તેમ નહીં હોવાના સંદેશથી તંત્ર ધંધે લાગ્યું, હજુ ફાઇનલ ડેટ અપાઈ નથી
હવે 11મીએ સમિતિનું ઉદ્ઘાટન, એક દિવસ તમામ કાર્યક્રમો પાછા ઠેલાવા પડે તેવી સ્થિતિ
રાજકોટમાં યોજાનાર રિજનલ વાઈબ્રન્ટ સમિટની તારીખમાં વધુ એક વખત ફેરફાર થતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અગાઉ રિજનલ વાઈબ્રન્ટ સમિટનું તા.10 જાન્યુઆરીનાં રોજ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન નક્કી કરાયું હતું અને તે મુજબ તૈયારીઓ શરૂ કરાઈ હતી પરંતુ હવે વડાપ્રધાન તા.10ના બદલે તા.11મીએ આવશે તેવો સંદેશો આવતાં અને તા.1મીએ સવારે આપશે કે જે સાંજે ? તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નહીં થતાં કાર્યક્રબમનું સાહિત્ય છાપવા સહિતની બાબતો અંગે મુંજવણ સર્જાઈ છે.
મોટાભાગનું પ્રચાર સાહિત્ય તા.10 જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટ શરૂ થવાનું ધ્યાને રાખીને છપાઈ રહ્યું છે. પરંતુ હવે તા.10મીએ પી.એમ. વ્યસ્ત હોવાથી તા.11મીએ રાજકોટ આવી શકશે તેવો મેસેજ આવતાં અધિકારીઓનું બી.પી.વધી ગયું છે.
નોંધનીય છે કે, રિઝનલ વાઇબ્રન્ટ સમિટની તારીખમાં આ ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ આ સમિટ 8 થી 10 જાન્યુઆરી દરમિયાન યોજાવાની હતી. ત્યારબાદ ફેરફાર કરીને તેને 10 થી 13 જાન્યુઆરી કરવામાં આવી હતી. હવે ફરી વડાપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર થતા આ સમિટ 11મીએ શરૂૂ થઈને 13મીએ પૂર્ણ થાય તેવી અટકળો જોવાય રહી છે.સૌથી મોટી મુશ્કેલી વહીવટી તંત્ર માટે એ ઉભી થઈ છે કે સમિટ માટેના આમંત્રણ કાર્ડ, બ્રોશર અને અન્ય પ્રમોશનલ સાહિત્ય લાખોના ખર્ચે છપાઈ ગયા છે. હવે તારીખ બદલાતા આ તમામ મટીરિયલ ફરીથી નવું સાહિત્ય પ્રિન્ટ કરવું પડશે.
અગાઉના આયોજન મુજબ, 10મી જાન્યુઆરીએ સાંજે 5:00 વાગ્યે મારવાડી યુનિવર્સિટી ખાતે વડાપ્રધાનના હસ્તે સમિટનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું હતું. પરંતુ વડાપ્રધાન કાર્યક્રમમાં ફેરફાર થતા હવે 11મીએ વડાપ્રધાન ઉદઘાટન કરે તેવી શક્યતા છે. જોકે, હજુ સુધી વડાપ્રધાન સવારે આવશે કે બપોર પછી, તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
પીએમ સવારે આવે તો જ અનુકૂળતા, 14મીએ ’સંક્રાંત’ અને ’મેચ’નું નડતર
સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ 10મીએ સાંજે 5:00 વાગ્યે મારવાડી કોલેજ ખાતે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું, સમિટ હવે 11મીએ શરૂૂ થવાની શક્યતા છે, પરંતુ વડાપ્રધાન સવારે આવશે કે બપોર બાદ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો વડાપ્રધાન બપોર પછી આવે તો સમિટનો સમયગાળો એક દિવસ લંબાવવો પડે તેમ છે. જો કાર્યક્રમ લંબાય તો 14મી તારીખે મકર સંક્રાંતિનો તહેવાર છે અને સાથે જ રાજકોટમાં ક્રિકેટ મેચનું પણ આયોજન હોવાથી સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી તંત્ર માટે મોટો પડકાર બની શકે તેમ છે
