ઉપલેટાના આધેડને પૈસા આપ્યા બાદ પ્લોટ પડાવી દસ્તાવેજ પરત ન આપતા ગુનો નોંધાયો
ઉપલેટાનાં કારખાનેદારને પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે લીમડા ચોક પાસે ન્યુઝની ઓફીસ ધરાવનાર શખસને વાત કરતા આર્થિક મદદના બદલામાં મોટા મવામાં આવેલા તેના પ્લોટનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો.આ અંગે કારખાનેદારે તાલુકા પોલીસ મથકમાં સુદાણી બંધુ સામે ફરિયાદ નોંધાવી છે.
હાલ ઉપલેટામાં રહેતા કારખાનેદાર યોગેશભાઈ પોપટભાઈ નાગેવાડીયા (ઉ.વ.51) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બેડીપરા સીતારામ રોડ આંબા ભગતની શેરી પાસે રહેતા ચિરાગ પ્રવીણભાઈ સુદાણી અને જીતેશ નારણભાઈ સુદાણીના નામ આપ્યા છે. પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તે હાલ ઉપલેટામાં તેના પુત્ર પ્રીત સાથે રહે છે જ્યારે તેમની પુત્રી, પત્ની અને માતા-પિતા રાજકોટમાં કાલાવડ રોડ પર રામધામ-2 સોસાયટીમાં રહે છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તેઓને મોટા મવામા 238 વારનો પ્લોટ આવેલો છે . પરંતુ તેની અસલ ફાઇલ તેમની પાસે ન હોય અને પરિવારના સભ્યોમાંથી કોઈ પાસે હોય જે આપતા ન હોય જેથી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતેથી ગઈ તારીખ 1/2/2022 ના સર્ટિફાઇડ નકલ કઢાવી હતી. પુત્ર પ્રીતને ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂૂર હોય પરંતુ બેંકમાથી લોન મળી ન હતી જેથી તેઓ રાજકોટના લીમડા ચોક ખાતે ત્યારબાદ પરીચીત સાગર ચૌહાણ લીમડા ચોકમાં આલાપ બિલ્ડિંગમાં ચિરાગ સુદાણીની ટોપ સિક્રેટ ન્યુઝ નામની ઓફિસ ખાતે લઈ ગયો હતો. ત્યાં ચિરાગ સુદાણી સાથે વાતચીત કરતા તેણે કહ્યું હતું કે, હું તમને આર્થિક રીતે મદદ કરીશ અને પૈસા પણ આપીશ તેમ જણાવ્યુ હતુ.
બાદમાં પ્રૌઢે ચિરાગ સુદાણીની વાત પર ભરોસો કરી પ્લોટની સર્ટિફાઇડ નકલ ચિરાગ સુદાણીને આપી હતી. ત્યારબાદ આ ચિરાગભાઈએ તેમના મિત્રનો માધાપર ચોકડી પાસે ધ સ્પેસ બિલ્ડિંગમાં ફ્લેટ હોય તે રહેવા માટે આપ્યો હતો. જ્યાં પ્રૌઢ અને તેમનું પુત્ર પ્રીત રહેતા હતા દરમિયાન વડોદરા ખાતે પારૂૂલ યુનિવર્સિટીમાં બી ટેકમાં એડમિશન કરાવી આપ્યું હતું.
જેથી પ્રીત અહીં અભ્યાસ માટે જતો રહ્યો હતો બાદમાં તારીખ 2/6/2022 ના રોજ ચિરાગભાઈ સુદાણી અને તેના કૌટુંબિક ભાઇ જીતેશ સુદાણીના નામે પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. ફરિયાદીના પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે પોલેન્ડ જવા માટે પૈસાની જરૂૂરિયાત પડતા ક્રેડિટ કાર્ડ પણ કઢાવ્યું હતું. બાદમાં ચિરાગ સુદાણીએ ફરિયાદીને પુત્રના અભ્યાસ અર્થે તેમજ ઘર ખર્ચ માટે તારીખ 1/7/2022 થી 26/8/2023 સુધીમાં કુલ રૂૂપિયા 13 લાખ જેટલી રકમ આપી હતી. ઓગસ્ટ 2023 થી ચિરાગ સુદાણીએ રૂૂપિયા આપવાનું બંધ કરી દેતા ફરિયાદીના પુત્રનો અભ્યાસ રોકાઈ ગયો હતો અને આ ચિરાગભાઈ સાથે નક્કી થયા મુજબ દસ્તાવેજ પરત કરી આપવાનું કહેતા ચિરાગે કહ્યું હતું કે, દસ્તાવેજ પરત કરી આપવા માટે 21.50 લાખ આપવા પડશે. પરંતુ તેમ છતાં ચિરાગે પ્લોટનો દસ્તાવેજ પરત કરી આપ્યો ન હોય છેતરપિંડી આચરી હતી.
