દોઢ વર્ષથી ડર અને બદનામીના ભયે મૌન રહેલી મહિલાએ પતિને હકીક્ત જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
જસદણ પાલિકાના એક સુપરવાઇઝર સામે ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાનો મહિલા સફાઇ કામદારે ફરિયાદ કરતાં ચકચાર મચી છે. નવા બની રહેલી ઇમારતમાં કામ કરવા બોલાવ્યા બાદ મહિલાની એકલતાનો લાભ લઇ પીંખી નાખી હોવાની ફરિયાદ પોલીસ મથકે પહોંચી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી હાથવેંતમાં જ છે અને જલદીથી તેની ધરપકડ કરાશે. જો કે દોઢ વર્ષથી ડર અને બદનામીના ભયે મૌન રહેલી મહિલાએ અંતે પતિને આપવીતી જણાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
દોઢ વર્ષ પહેલા જ્યારે જસદણ નગરપાલિકાનું નવું બિલ્ડિંગ બની રહ્યું હતું, ત્યારે ભોગ બનનાર મહિલા કર્મીને ત્યાં સાફ-સફાઈ માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા ત્યાં વિઝીટના બહાને આવ્યો હતો અને મહિલા સાથે ઈરાદાપૂર્વક જબરજસ્તીથી દુષ્કર્મ કર્યું હતું. અને મોં બંધ રાખવાની ધમકી દીધી હતી.દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી સુપરવાઇઝરે મહિલાને ધમકી આપી હતી કે, જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા પતિને નોકરીમાંથી છૂટા કરી દઈશ. સંતાનોનું ભવિષ્ય અને સમાજમાં બદનામીના ડરથી મહિલાએ આ વાત ગુપ્ત રાખી હતી. જોકે, આરોપી સુપરવાઇઝર વારંવાર મહિલાને પરેશાન કરતો હતો અને ફરી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો આથી મહિલાએ ફરિયાદ નોંધાવવાની હિંમત કરી હતી.બીજી તરફ પોલીસે આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટીમ રવાના કરી હોવાનું જણાવ્યું હતું.હું 15 વર્ષથી જસદણ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરું છું.
મારા સુપરવાઇઝર કલ્પેશ બારૈયાએ દોઢ વર્ષ પહેલા નવી બની રહેલી નગરપાલિકા કચેરીએ મને બોલાવી હતી અને દુષ્કર્મ કર્યું હતું. બાદમાં મને કલ્પેશ બારૈયાએ મને ધમકી આપી હતી કે જો તું કોઈને કહીશ તો તને અને તારા પતિને નોકરીમાંથી છુટા કરી દઈશ.અને તારા પતિ અને છોકરાઓને પણ મારી નાખીશ. મારે નાના છોકરા છે, જેથી મને બીક લાગી હતી અને એ વખતે ફરિયાદ ન કરી પરંતુ તે વારંવાર મારી પાછળ આવતો અને મારી સાથે શારીરિક સંબંધ બાંધ નહીંતર તને અને તારા પરિવારને મારી નાખીશ તેવી વારંવાર ધમકી આપતા આખરે કંટાળીને મેં મારા પતિને આ બાબતે વાત કરી અને તેમણે મને હિંમત આપતાં હું પોલીસ મથકે પહોંચી છું.
