રાજકોટમાં કે.કે.વી. હોલ પાસે દારૂ ઢીંચવા ગયેલા પિતાને લેવા માટે ગયેલા પુત્ર સાથે અન્ય નસેડીએ ઝઘડો કરી માર માર્યો હતો. જેથી યુવાને ‘મારે મરી જવું છે’ તેમ કહી વીજ બોર્ડ પકડી લીધું હતું. યુવકને વીજ શોક લાગતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ પર કણકોટના પાટીયા પાસે રહેતા કેતનભાઈ કરમશીભાઈ વઢવાણીયા નામનો 20 વર્ષનો યુવાન રાત્રીનાં ત્રણેક વાગ્યાના અરસામાં કે.કે.વી. ચોક પાસે હતો ત્યારે વીજપોલમાંથી વીજશોક લાગતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં કેતન વઢવાણીયાના પિતા કરમશીભાઈ કે.કે.વી.ચોક પાસે દારૂ પીવા ગયા હતાં. જેથી કેતન પિતાને તેડવા માટે પાછળ ગયો હતો તે દરમિયાન સોમ ફુગાવાળા, ગોપી, કિશન સહિતનાએ ઝઘડો કરી માર માર્યો હતો. જેથી કેતન વઢવાણીયાએ ‘મારે મરી જવું છે’ તેમ કહી વીજ બોર્ડ પકડી લેતાં વીજશોક લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
