જામનગર નજીક ઠેબા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટમાં લઈ લેતાં બાઈક સવાર પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નવા નાગના ગામમાં રહેતો રાજેશ ગોરધનભાઈ રાઠોડ નામનો 40 વર્ષનો દલવાડી યુવાન પોતાના બાઈકમાં પુત્ર જય તેમજ પોતાના મિત્ર હસમુખભાઈ રાઠોડ ને બેસાડીને જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 25 એ. 2137 નંબરની કારના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં બાઈક સવાર પિતા પુત્ર સહિત ત્રણેય ઈજાગ્રસ્ત બન્યા હતા. તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તમામને ફેક્ચર સહિતની ઇજાઓ થઈ છે, અને ટાંકા લેવા પડયા છે.
જે અકસ્માતના બનાવ અંગે બાઈક ચાલક રાજેશભાઈ રાઠોડ દ્વારા પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક સામે ગુન્હો નોંધ્યો છે, અને તેની શોધ ખોળ હાથ ધરી છે.
