ચોમાસાની વિદાય વેળાએ જ પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકયું હોય તેમ છાશવારે રોગચાળાથી માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં શાપરમાં રહેતી પરિણીતાનું કમળાની બિમારી સબબ મોત નિપજ્યું છે. પરિણીતાના મોતથી પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે શાપર વેરાવળમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા શ્રીમતીદેવી મનજયભાઈ રાજપૂત નામની 35 વર્ષની પરિણીતા સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી પરણીતાના મૃતદેહને ફોરેન્સીક પોર્સ્ટમોટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં શ્રીમતીદેવી રાજપૂતનું કમળાની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.પોસ્ટમોટર્મ રિપોર્ટ બાદ પરણીતાના મોતનું કારણ બહાર આવશે. તેવુ જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
