તા.02/09/2005ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાજકોટમાં મોટી ટાંકી ચોક પાસે રેડક્રોસ બિલ્ડિંગમાં જનાર્દનરાય નાગર રાજસ્થાન વિદ્યાપીઠ દ્વારા ચાલતી સરદાર પટેલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ કોલેજ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માન્યતા મેળવી ન હોય અમાન્ય સંસ્થા સામે ઈ.પી.કો.ની કલમ 406, 420, 467, 468, 471, 114, 120(બી) તથા સૌરાષ્ટ્ર યુનિ.એકટ હેઠળ ફરીયાદ આપેલ હતી. ફરીયાદની તપાસ કરનાર અધિકારી દ્વારા જનાર્દનરાય નાગર, રાજસ્થાન વિદ્યાપીઠના રજિસ્ટ્રાર મધુસુદન જેતનલાલ ત્રિવેદી (રહે. ઉદયપુર), બળવંતભાઈ સવદાસભાઈ સાલુકી (રહે. વલ્લભ વિદ્યાનગર), નિતીનભાઈ ઘેલાભાઈ ડાભી (રહે. રાજકોટ) તથા ગૌતમભાઈ મહેન્દ્રભાઈ ઓઝા (રહે. રાજકોટ)ની ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા પ્રોસીકયુશન દ્વારા 8 સાહેદો તથા 9 દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. સાહેદમાં ફરીયાદી તથા રમેશ ગેલાભાઈ પરમાર, નાયબ કુલ સચિવ સૌ.યુની. તથા કોલેજના વિદ્યાર્થીઓને તપાસેલ હતા.
આ કેસમાં બચાવ પક્ષના એડવોકેટ અશ્વિન ગોસાઈ મારફતે તમામ સાહેદોની ઉલટ તપાસ થયેલ, જેમાં ફરીયાદીએ ફરીયાદ ઉપલા અધિકારીના કહેવાથી કરી હોવાની તેમજ હાલના આરોપી પૈકી કયા આરોપીએ બોગસ દસ્તાવેજો બનાવેલ છે તે સ્પષ્ટ જવાબ મળેલ નહીં, તેમજ બોગસ દસ્તાવેજ બનાવેલા નથી કોઈ વિદ્યાર્થીઓને અન્યાય કરેલ નથી. રાજસ્થાન જઈને કોઈ તપાસનીશ અધિકારીએ તપાસ કરેલ નથી.
કોઈ પુરાવા રેકર્ડ ઉપર આવેલ નહીં હોવાના મતલબની દલીલો કરી હતી. જે ધ્યાને લઇને અદાલતે ઉપરોકત કામમાં સરદાર પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓને છેતરવાના અપ્રમાણીક ઈરાદાથી મોટી ફી વસૂલ કરી છેતરપિંડી કરવાની બતદાનતથી આર્થિક લાભ મેળવેલ હોઈ તેવું ફરીયાદ પક્ષે પુરવાર કરેલ ન હોવાનું ઠરાવી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ પિયુષભાઈ શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નીતીષભાઈ કથીરીયા, નીવીદભાઈ પારેખ, ચીત્રાંકભાઈ વ્યાસ, નેહાબેન વ્યાસ, રવિભાઈ મુલિયા, કશ્યપભાઈ ઠાકર, બીનાબેન પટેલ, હર્ષીલભાઈ શાહ, ભાવીનભાઈ રૂૂધાણી, રાજુભાઈ ગોસ્વામી, સચીન ગોસ્વામી, સાબજભાઈ કટલીયા, રીનાબેન સરના, હર્ષીલભાઈ ગોસ્વામી રોકાયા હતા.
