રાજય સરકારનાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને ઘરફોડ ચોરી કે ફ્રોડમા ગયેલા નાણા કે વસ્તુ પરત મેળવવા માટે પોલીસ મથકે ધકકા ખાવા ન પડે અને સરળતાથી વસ્તુ કે નાણા પરત મળી રહે તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાજયનાં તમામ પોલીસ મથકમા મહીનાનાં અંતિમ દિવસે યોજવામા આવે છે. ત્યારે રાજકોટ શહેરનાં ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારનાં અરજદારો દ્વારા સાયબર ફ્રોડમા ગુમાવેલા નાણા રૂ. 9.50 લાખ ગાંધીગ્રામ પોલીસનાં પીઆઇ એસ આર મેઘાણી, પીએસઆઇ એમ. વી. જાડેજા, હરેશભાઇ ગોહીલ, ધર્મીષ્ઠાબા ઝાલા, રાવતભાઇ મકવાણા, શૈલેષભાઇ ડાભી અને પુષ્પાબેન ગોહીલ દ્વારા પરત આપવામા આવ્યા હતા.
અરજદારો સાથે મોબાઇલ પર ખોટા ક્રેડીટ ટ્રાન્ઝેકશના મેસેજ મોકલી ભુલથી પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે તેમ કહી અરજદારને વિશ્ર્વાસમા લઇ ફ્રોડ આચર્યુ હતુ. ટેલીગ્રામ પર આવેલા મેસેજ દ્વારા અલગ અલગ ટાસ્ક આપવામા આવેલા હતા.
જેમા શરુઆતમા વિશ્ર્વાસમા લઇ અમુક રકમ રીફંડ આપી મોટી રકમ પડાવી લઇ છેતરપીંડી કરવામા આવી હતી. બેંકનાં નામે તેમજ આરટીઓની ઇ ચલણ મોકલી અને આમંત્રણ પત્રીકાનાં નામે આવેલ એપ્લીકેશન ફાઇલ ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કરી ફ્રોડ કરવામા આવ્યુ હતુ. તેમજ ફેસબુક પર લોન કરાવી આપવાની જાહેરાત આપી છેતરપીંડી કરવામા આવી હતી.
આ તકે ગાંધીગ્રામ પોલીસ મથકની સાયબર સ્કવોડ દ્વારા લોકોને અપીલ કરવામા આવી છે કે સાયબર ફ્રોડનો ભોગ બનતા અટકવા માટે ટાસ્ક કે રીવ્યુનાં નામે ઘરબેઠા કમાવવાની સ્કીમથી દુર રહો વિશ્ર્વાસપાત્ર એપ્લીકેશન સિવાય ઓનલાઇન લોન લેવી નહી. ક્રિપ્ટો કરન્સી કે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ રૂબરૂ મુલાકાત અથવા કાયદેસરની કાગળ પરની પ્રક્રિયા સિવાય કરવી નહી. અજાણી લીંક પર કયારેય કલીક કરવુ નહી.
ગુગલ પરથી કસ્ટમર કેેર નંબર શોધવા કરતા જે તે ઓથેન્ટીક એપ્લીકેશન પરથી કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર અજાણી વ્યકિતની ફ્રેન્ડ રીકવેસ્ટ એક્ષેપ્ટ કરવી નહી. તેમજ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પરથી વસ્તુ ખરીદવાનુ ટાળવુ જોઇએ.
