બે કિલોમીટર પગપાળા ચાલીને ડાઘુઓ સ્મશાને પહોંચ્યા
દરેક વ્યક્તિના જન્મ સાથે મૃત્યુ હંમેશા નક્કી જ હોય છે પરંતુ મૃત્યુ કયા પ્રકારનું થયું, મૃત્યુ પછી કયા પ્રકારની અંતિમયાત્રા યોજાઈ વગેરે મહત્વની બાબત બની જાય છે ત્યારે ઉપલેટા શહેરમાં જાણીતા કથાકાર શાસ્ત્રી શ્રી રાજુભાઈ જોશીના પિતા પ્રખર વિદ્વાન પ્રાણલાલ વલ્લભજી જોશી ઉર્ફે પ્રાણબાપા હૃદય રોગના કારણે સ્વર્ગલોક પામ્યા ત્યારે 60 વર્ષ બાદ ઉપલેટામાં વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમની અંતિમયાત્રા નીકળી હતી. માત્ર એક જ લાકડામાં ઝોળીની જેમ બાંધીને ચકલી ચોરા વિસ્તારમાં એમના ઘરેથી પગપાળા ચાલતા ચાલતા બે કિલોમીટર સુધી વિશાળ સંખ્યામાં લોકો કાંધ આપતા આપતા અંતિમયાત્રામાં જોડાયા હતા.
અંતિમયાત્રામાં શબવાહિની, મોટરસાયકલ તેમજ કાર સાથે લોકો અંતિમયાત્રામાં જોડાતા હોય છે ત્યારે આ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે આજથી 60 વર્ષ પહેલા ઉપલેટાના જાણીતા ડો. મનીષભાઈ પંડ્યાના દાદા પુરુષોત્તમભાઈ પંડ્યા નામના વ્યક્તિ દેવલોક પામ્યા હતા ત્યારે પણ આ રીતે જ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે અંતિમ યાત્રા નીકળી હતી.
કથાકાર શાસ્ત્રી રાજુભાઈ જોશીના જણાવ્યા મુજબ લોકોએ આવી રીતે વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે જ પગપાળા ચાલીને અંત્યેષ્ટિ યોજવી જોઈએ.
તેમના જણાવ્યા મુજબ ગરૂૂડ પુરાણમાં લખ્યું છે કે પિતાજીના મૃત્યુ બાદ તેમનો પુત્ર વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે પગપાળા ચાલીને પોતાના ખંભે લઈ અંતિમયાત્રા કાઢે તો તેને એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે. લોકોને પણ અપીલ કરી છે કે તેમણે પણ આવી રીતે જ વૈદિક ધર્મ શાસ્ત્ર પ્રમાણે અંતિમયાત્રા કાઢવી જોઈએ. પરંતુ જો પોતાના ઘરથી સ્મશાન ભૂમિ દૂર હોય તો ઠીક છે નહિતર નજીક હોય તો વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પોતાના ઘરેથી પગપાળા લઈ જવી જોઈએ.
ગીરીશભાઈ જોશી, કથાકાર શાસ્ત્રી રાજુભાઈ જોશી, હિતેશભાઈ જોશી તથા મયુરભાઈ જોશીના પિતા સ્વ. પ્રાણબાપાની અંતિમયાત્રામાં સમસ્ત આહિર સમાજ તથા બ્રહ્મ સમાજની સાથે સાથે અઢારે વર્ણના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
