ફર્નિચરના કામ બાદ પૈસાથી અસંતોષ થતા ડુપ્લીકેટ ચાવી બનાવી દંપતીએ મોડીરાત્રે ફ્લેટમાં ઘૂસી ધમાલ મચાવી
મૂળ બગસરાના અને હાલ નાણાવટી ચોક પાસે ટાઇટેનિયમ વન બિલ્ડીંગમાં રહેતા દેવાંગભાઇ અરવિંદભાઈ ધકાણ (સોની)(ઉ.વ.24)ના ફ્લેટમાં ઘુસી ફર્નિચરના પૈસા પુરા ન મળતા રેલનગરના સુનિલ સોલંકી અને તેમના પત્નીએ ડુપ્લીકેટ ચાવી વડે તાળું તોડી ફ્લેટમાં ઘુસી 1.70 લાખનું ફર્નિચર તોડી નુકશાની કરતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ થઈ હતી.
દેવાંગભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,છેલ્લા છએક મહીનાથી હું એકલો રહુ છુ અને મારા માતા પિતા બગસરા ખાતે રહે છે અને પેલેસ રોડ ઉપર રાજ પ્લાઝા કોમ્પલેક્સ ક્રિષ્ના ગોલ્ડ નામ ની દુકાનમાં સોનીકામ કરુ છુ.દોઢેક મહીના પહેલા મેં ફ્લેટમાં ફર્નિચર કામ કરાવવાનું હોય જેથી ફ્લેટમાં ટીવી યુનિટ, સેફ્ટી ડોર, મંદીર, કિચન, કબાટ તથા બૂટ રાખવાનુ સ્ટેન્ડ એમ અલગ અલગ ફર્નિચર કામ કરવા માટે આ સુનીલ સોલંકી સાથે વાતચીત કરેલી હતી.
અને ત્યારે આ કામ માટે માલ તેમજ મજૂરી પેટે રૂૂ.1,70,000/- નક્કી કરેલ અને ત્યારબાદ મારા ફ્લેટનું કામકાજ આશરે એક મહીના જેટલુ કરેલુ અને જે કામપેટે કટકે કટકે રૂૂ.1,10,000/- રૂૂપીયા ગુગલ પે થી સુનીલભાઇ સોલંકીને આપેલ હતા આ સુનીલભાઇએ મારા ફ્લેટમાં ફર્નિચર કામ બરોબર કરેલ ન હોય આ સુનીલભાઈ ને મેં આપેલ પૈસાથી અસંતોષ થતાં મારી વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ હતી.
બાદમાં તા.28/08ના અમારા બંને વચ્ચે ઘરમેળે સમાધાન થયું હતું કે મારુ ફર્નિચરનું બાકી કામ હવે સુનીલભાઇ ને કરવાનુ નથી તથા તેના બાકી રહેતા પૈસા મારે આપવાના નથી તેમ સમાધાન થયું હતુ.બાદમાં સુનીલ સોલંકીએ ચાવી મારા હાથમાં આપી કહેવા લાગેલ કે મારા પૈસા નહીં આપે તો ફર્નિચર તોડી નાખીશ અને તું જ્યારે રાજકોટ આવીશ ત્યારે તને જાનથી મારી નાખીશ.બાદમાં તા.01/09ના સવારના રાજકોટ આવી ફ્લેટ ખોલી જોયુ તો મેં જે ફર્નિચર કામ કરાવેલ તે તમામ ફર્નિચરમાં કોઇએ તોડફોડ કરેલ હોય જેથી મેં મારા કોમ્પલેક્સના સીસીટીવી ફૂટેજ ચેક કરાવેલ જે ચેક કરતાં ગઇ તા.28/08ના રોજ રાત્રીના સુનીલભાઇ સોલંકી અને તેના પત્નિ ફ્લેટની ડુપ્લીકેટ ચાવી બનાવી ફ્લેટમાં કરેલ ફર્નિચર રૂૂ.1,70,000/- ની તોડફોડ કરેલ હોય તો આ બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
