શહેરમાં સિટી બસના ચાલકે બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં કોટેચા ચોક નજીક વોર્ડ નં.10ના કોંગ્રેસ પ્રમુખના સ્કૂટરને સિટીબસના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ધવાયેલા સ્કૂટર સવારને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સિટીબસના ચાલકો અવાર નવાર અકસ્માત સર્જાતા હોવાથી કોંગ્રેસ પ્રવકતા તુષીત પાણેરીએ અમારે કચડાઇને કમોતે મરવુ નથી હવે ધોકાવાળી થશે. તેવી ચીમકી ઉચ્ચારી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વોર્ડ નં.10ના કોંગ્રેસ પ્રમુખ દિપકભાઇ ગોઠી અને તેના મિત્ર સ્કૂટર લઇને કેકેવી હોલ તરફ જઇ રહ્યા હતા. ત્યારે કોટેચા ચોક નજીક પહોંચતા માતેલા સાઢની માફક ધસી આવેલી જીજે 3 બીઝેડ 4981 નંબરની સિટીબસના ચાલકે આગળ જતા દિપકભાઇ ગોઠીના સ્કૂટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
દિપકભાઇ ગોઠીને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિટી બસના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રવકતા તુષીત પાણેરીએ રોષ વ્યકત કર્યો છે અને અમારે કચડાઇને કમોતે મરવુ નથી. હવે ધોકાવાળી થશે તેવી ચીમકી આપી છે.
