સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં યુવતીના જુના સંબંધો અંગે શંકા કરી પ્રેમી હેરાન કરતો હોય જે અંગે યુવતીએ 181 હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગતાં અભયમ ટીમે યુવતીની વહારે દોડી જઈ પ્રેમિને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
અભયમ ટીમના કાઉન્સેલર સુમિતા પરમાર જણાવે છે કે, ગઈકાલે પીડિત મહિલાનો ફોન આવતા અમે, કોન્સ્ટેબલ શિલ્પાબેન અને પાયલોટ શ્યામભાઈ બહેનની મદદ માટે સ્થળ પર જઈ તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું. પીડિતાએ સમગ્ર હકીકત જણાવતા કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં તેમના છૂટાછેડા થઈ ગયા હતાં. ત્યારબાદ તે એક અન્ય યુવકના સંપર્કમાં આવ્યા હતા. જેની સાથે ત્રણ વર્ષ સંબંધ રહ્યા બાદ બ્રેકઅપ થઈ ગયું હતું. પીડિતાને સંતાનમાં એક દીકરો હોવાથી તેમણે વિચાર્યું હતું કે તેઓ લગ્ન કરીને હવે ફરીથી ગૃહસંસાર વસાવશે. તેથી તેમણે ઓનલાઇન એપના માધ્યમથી એક પુરુષના સંપર્કમાં આવી તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
પીડિતાએ વર્તમાન સંબંધ અંગે કહ્યું હતું કે, મેં હાલના પ્રેમીને તેમના છૂટાછેડા અને બાળક વિશે જણાવ્યું હતું, પરંતુ છૂટાછેડા બાદના ત્રણ વર્ષના ભૂતકાળના પ્રેમી સાથેના સંબંધ વિશે જાણ કરી નહોતી. જે અંગે પ્રેમીને ખ્યાલ આવતાં મને તે અંગે સતત પુછપરછ કરી શંકા કરતો હતો. પીડિતાએ કહ્યું કે, તે બાબતે ઘણીવાર તેના પ્રેમી પાસે માફી માંગી હતી અને તેમની વચ્ચે સંબંધ ન તૂટે તેથી તે વાત છુપાવેલી એમ પણ જણાવ્યું હોવા છતાં યુવક અવારનવાર માનસિક ત્રાસ આપતો હતો.
વધુમાં યુવક મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પાસવર્ડ જાણીને પોતાના ફોનમાં મહિલાના સોશિયલ મીડિયાના આઈડી લોગીન રાખતો અને તેમની પોસ્ટ પર ધ્યાન રાખી શંકા કરતો હતો.
મહિલાએ આ યુવકના વર્તનથી કંટાળીને તેમનાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે પુરુષ મિત્ર તેને ધમકી આપતો હતો કે તે છોડીને જશે તો તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે. અંતે કંટાળીને મહિલાએ હેલ્પલાઈન પર મદદ માંગી હતી.
અભયમ ટીમે યુવકને બોલાવી સૌપ્રથમ સમજાવ્યા હતાં. કાયદાકીય ભાષામાં તેને સમજાવતાં, યુવકે મહિલાની માફી માંગી લેખિતમાં બાંહેધરી આપતાં કહ્યું હતું કે, આજ પછી તે મહિલાનો ક્યારેય સંપર્ક નહીં કરે, કામકાજના સ્થળ પર નહીં આવે તેમજ અન્ય રીતે હેરાનગતિ પણ નહીં કરે. મહિલાએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.
