રૂા. અડધા લાખની લૂંટ ચલાવી આરોપીઓ અંધારામાં ઓગળી ગયા…
ખંભાળિયા તાલુકાના માઝા ગામે રહેતા અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને ગુરુવારે રાત્રે ચાર અજાણ્યા શખ્સોએ બેફામ માર મારી, તેણીના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવ્યાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના મૂળ વતની અને હાલ માંઝા ગામે રહેતા આલુબેન જેઠાભાઈ ડોસાભાઈ ભોજાણી નામના 65 વર્ષના ગઢવી વૃદ્ધાના પતિ જેઠાભાઈ આજથી આશરે 20 વર્ષ પહેલા અવસાન પામ્યા હતા. ત્યાર બાદ તેઓ તેમના માવતરના ગામ માંઝા ખાતે ઘણા વર્ષોથી રહે છે. તેમની એક પરિણીત પુત્રી અહીંના હરસિધ્ધિ નગરમાં રહે છે અને આલુબેન ભોજાણી માંઝા ખાતે એકલા રહે છે.
ગુરુવારે રાત્રિના આશરે 10 વાગ્યાના સમયે આલુબેન વાળું-પાણી કરીને સૂતા હતા. ત્યાર બાદ રાત્રિના આશરે 2 વાગ્યાના સમયે ચાર અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. રૂૂમમાં રહેલી સ્ટોપર ખોલીને ઘુસી આવેલા આ શખ્સોએ આલુબેનના મોઢે મૂંગો દઈ અને હાથ પગ દબાવી દીધા હતા. આ પછી તેઓએ કાનમાં પહેરેલા આશરે અડધો તોલા વજનના સોનાના ઠોળિયા ખેંચીને લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત તેમણે ગળામાં પહેરેલી ચાંદીની મગમાળા તેમજ બંને પગમાં કરેલું પહેરેલું ચાંદીનું કાંબિયું પણ ઝૂંટવી લીધું હતું. આટલું જ નહીં, તેમના ઘરના કબાટમાં રહેલા રૂૂપિયા 4,000 ની રોકડ રકમ પણ તેઓ લઈને અંધારામાં ઓગળી ગયા હતા.
લૂંટ ચલાવવા આવેલા ચાર શખ્સો પૈકી એક આરોપી હિન્દી ભાષામાં તેમજ ત્રણ શખ્સો ગુજરાતી ભાષામાં વાત કરતા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. આ વચ્ચે આલુબેન ગઢવી કોઈનો સંપર્ક કરી ન શકે તે હેતુથી આરોપીઓ તેમનો મોબાઇલ ફોન ઝૂંટવીને દૂરના વિસ્તારમાં ફેંકીને નાસી ગયા હતા.
આ રીતે ચાર અજાણ્યા શખ્સોએ આલુબેન જેઠાભાઈ ભોજાણીને બેફામ માર મારી, રૂૂ. 20,000 ની કિંમતના સોનાના ઠોળિયા, રૂૂ. 5,000 ની કિંમતની મગમાળા, રૂૂ. 20,000 ની કિંમતનું ચાંદીનું કાંબિયું વગેરે મળીને કુલ રૂૂ. 49,000 ની લૂંટ ચલાવવામાં આવી હોવાનું આલુબેન ભોજાણીની ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ બનતા ખંભાળિયાના ડીવાયએસપી, પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ એલસીબી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આરોપીને ઝડપી લેવા માટે ડોગ સ્ક્વોડ, એફએસએલ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો ની પણ સેવાઓ લેવામાં આવી હતી. આ બનાવે નાના એવા માંઝા ગામમાં ભારે ચર્ચા જગાવી છે.
