ડો. યાજ્ઞિક રોડ પર સ્થિત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મમહાસભામાં આપેલ ઐતિહાસિક ભાષણની 132મી જયંતી નિમિત્તે ગુરુવાર, તા. 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.આ સંમેલનમાં 16 થી 30 વર્ષની વયના કુલ 500 થી વધુ યુવક-યુવતીઓ જોડાયા હતા, જેમાંથી 149 ઓનલાઈન જોડાયા હતા. ઉપરાંત આંદામાન અને નિકોબાર ટાપુ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો તેમજ નેપાળ સહિતના 55 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.શિકાગો વિશ્વ ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે આપેલ ઐતિહાસિક ભાષણની 132મી જયંતિ નિમિત્તે આયોજિત આ સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે થયું.દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી વક્તવ્યો, ઑડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ તથા પ્રશ્નોત્તર સત્રોનો સમાવેશ થયો હતો.
સંમેલનનું ઉદ્ઘાટન ભારત સરકારના યુવા બાબતો તથા રમત-ગમત વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવિયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ ઉપરાંત કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ (દક્ષિણ)ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા રાજકોટ (પશ્ચિમ)ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત વક્તવ્યમાં યુવા સંમેલનનું ઉદ્ઘાટન દેશના યુવા બાબતોના મંત્રીના વરદ હસ્તે થવાને સૌભાગ્ય ગણાવ્યું. તેઓએ આજના ઐતિહાસિક દિવસની ભૂમિકા પ્રસ્તુત કરી તેમજ જણાવ્યું કે જો વિશ્વએ સ્વામી વિવેકાનંદજીના 1893ના 9/11 ના સંદેશને ગંભીરતાથી લીધો હોત, તો કદાચ અમેરિકાના 2001ના 9/11 જેવી દુર્ઘટના ન ઘટત, જેમાં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો.
મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે આજનો દિવસ આપણી માટે ગૌરવશાળી દિવસ તો છે પણ સાથે સાથે તે આપણી આધ્યાત્મિક સંપદા તથા આપણી સભ્યતાને પણ યાદ કરવાનો દિવસ છે. વિવેકાનંદજીના 11 સપ્ટેમ્બરના વ્યાખ્યાને ભારતના મૂલ્યોને પુનર્જિવિત કર્યા છે. તેમણે જણાવ્યું કે વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન પણ આપણી સંસ્કૃતિના અભ્યાસથી પ્રાપ્ત થશે.
સંમેલન દરમિયાન સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર તથા વિશ્વમાં સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર દિવ્યાંગ મહિલા પદ્મશ્રી ડો. અરુણિમા સિંહાએ યુવાનોને એક પગે માઉન્ટ એવરેસ્ટ ચઢવાના સંઘર્ષ વિશે વાતો કહી તથા તેમાં રામકૃષ્ણ મિશને કરેલી સહાય બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે સ્વામી વિવેકાનંદને પોતાના આદર્શ જણાવ્યાં. યુથ આઈકોન તથા નામાંકિત ઑન્ટ્રપ્રનર તથા ડેક્ષ્ટરીટી ગ્લોબલના સંસ્થાપક શરદ સાગરે નેતૃત્વની નૂતન વ્યાખ્યા પ્રસ્તુત કરી. તેઓ નાનપણથી જ રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા રહ્યા છે અને તેઓએ સ્વામી વિવેકાનંદના વિચારોને કેવી રીતે પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યાં તેની વાતો કરી.
ભારત સરકારના કેપેસિટી બિલ્ડીંગ કમિશનના સભ્ય તથા લીડરશીપ ટ્રેનર ડો. આર. બાલસુબ્રમણીયમે કેવી રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લીડરશિપનો સંદેશ મળે છે તથા એક નિરક્ષર ભારતીય પણ પોતાના જીવનમાં કેવી રીતે નેતૃત્વ પ્રદર્શિત કરે છે તેની વાતો કરી. લોકપ્રિય લેખક અને ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ લીડરશિપ સ્ટડીઝના સંસ્થાપક ડો. રાધાકૃષ્ણન પિલ્લઇએ ચાણક્ય નીતી અનુસાર સફળતાના સૂત્રો જણાવ્યાં. તેમણે યુવાનોને સ્વામી વિવકાનંદના પુસ્તકો વાંચવાનું સૂચન કર્યું.
આ સંમેલનમાં વક્તાઓએ યુવાનોના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા તથા પ્રતિનિધિઓએ પોતાના પ્રતિભાવો આપતી વખતે આ સંમેલનથી પ્રાપ્ત પ્રેરણા માટે આશ્રમનો આભાર વ્યક્ત કર્યો તથા વિવેકાનંદજીના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો. કાર્યક્રમના અંતે સહુ યુવાનોને સ્વામી વિવેકાનંદના પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે સમગ્ર સંમેલન રામકૃષ્ણ આશ્રમની યુ ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે.
