રાજકોટના નવાગામમાં ઉલ્ટી થયા બાદ 15 વર્ષનો તરુણ બેભાન થઈ ગયો હતો. તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયાનું અનુમાન છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ પીએમ માટે ખસેડાયો હતો. ગોવિંદા મનોજ રાજભર (ઉંમર વર્ષ 15, રહે. નવાગામ, જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ) આજે વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં ડોક્ટર તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.
પરિવારજનોએ જણાવ્યા મુજબ, ગોવિંદા ઉત્તર પ્રદેશનો વતની હતો. 2 ભાઈ અને 1 બહેન મોટો હતો. તેમના મોટા બાપુના દીકરા સંતોષભાઈ રાજકોટમાં નવાગામ, જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલ કારખાનામાં કામ કરતા હોય, 4 ઓગસ્ટે ગોવિંદા રાજકોટ આવ્યો હતો અને સંતોષભાઈ સાથે કારખાનાની ઓરડીમાં રહેતો હતો. ગઈકાલે રાત્રે તે જમીને સુઈ ગયો હતો. વહેલી સવારે 4 વાગ્યે પાણી પીવા ઉઠ્યો હતો બાદમા ઉલટી થયા બાદ બેભાન હાલતમા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમા જીવરાજ પાર્કમા રહેતા દામજીભાઇ મોહનભાઇ બાલીયા (ઉ.વ. 7પ ) ને સવારનાં સમયે છાતીમા દુખાવો ઉપડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી વૃધ્ધનુ હૃદયરોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
