જામનગરના પટેલ કોલોની શેરી નંબર 9 માં મુખ્ય માર્ગ ઉપર ઉકરડા અને કચરાના ઢગલાને લઈને પારાવાર ગંદકી ફેલાય છે, તેમજ તીવ્ર દુર્ગંધ મારી રહી છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ અને ધંધાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકાના તંત્રએ તાકીદે કાર્યવાહી કરવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે. જામનગર મહાનગર પાલિકાના સત્તાધીશો જામનગર ને સ્વચ્છ, સુંદર બનાવવા ના બણંગા ફૂંકે છે, તો બીજી તરફ શહેરની વાસ્તવિક સ્થિતિ સાવ અલગ જ જોવા મળે છે. જામનગરમાં ચારેય તરફ રખડતા-ભટકતા ઢોરની સમસ્યા કાયમ માટે નગરજનો માટે જોખમી અને ત્રાસદાયક બની રહી છે.
શહેરમાં અનેક સ્થળો પર મનપા તંત્ર દ્વારા રાખવામાં આવેલ કચરા પેટીઓ કચરાઓ, ગંદકી, પ્લાસ્ટિકના ડુચ્ચા, એંઠવાડ, ભીનો કચરો વગેરેથી છલકાઈ રહી છે. જેના કારણે આ કચરા પેટીઓ આસપાસ દુર્ગંધ સહિત ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જ રહે છે. પટેલ કોલોની શેરી નં. 9 અને બેડી રોડના ખૂણા ઉપર રિલાયન્સના ડિમોલિશન થયેલા બિલ્ડીંગના ખૂણા પાસે એક નહીં પણ બબ્બે ભંગાર હાલતમાં કચરા પેટીઓ રસ્તા ઉપર ગોઠવી દેવાઈ છે.
આ કચરાપેટી કાયમ ગંદકીથી છલકાયેલી જ રહે છે તે ગંદકી બહાર ફયેલાયેલી રહેતી હોવાથી મોટી સંખ્યામાં ઢોર એંઠવાડ ખાવા ઉમટી પડે છે. ક્યારેક ઈનફાઈટ પણ થાય છે, અને આ સમગ્ર રોડ પર સતત ગંદકીનું ન્યુસન્સ ફેલાયેલું રહે છે. નવાઈની વાત એ છે કે આ કચરા પેટીની ગંદકી સામે જ ખાણી-પીણીની દુકાનો જેમ કે બેકરી, આઈસ્ક્રીમ પાર્લર, ફાસ્ટફૂડની દુકાન, મેડિકલ સ્ટોર તેમજ એક દવાખાનું આવેલું છે તેની બિલકુલ નજીક નાના ભૂલકાઓ માટેનું પ્લે હાઉસ, બેંક તથા રહેણાંકના એપાર્ટમેન્ટ આવેલા છે.
આ ગંદકીમાં હમણાં થોડો-ઘણો વરસાદ પડતા કાદવ-કીચડ પણ ઉમેરાયા છે. પરિણામે ઈયળ, કાનખજુરા, માખી-મચ્છર જેવી જીવાતોનો સખત ઉપદ્રવ વધી ગયો છે. રોગચાળાની દહેશત પણ પ્રવર્તે છે. લોકોની સતત અવરજવર વાળા આ માર્ગ પરની કચરા પેટીઓ અન્યત્ર ખસેડી જાહેર માર્ગ પરથી ગંદકી દૂર કરવા સ્થાનિકોની માંગ થઈ રહી છે.
