ક્ધસ્ટ્રકશન કંપનીની ઓફિસમાંથી ચાલતા રેકેટનો પર્દાફાશ, 19 મોબાઇલ, 13 સીમકાર્ડ, 87 ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે
શેરબજારના ટ્રેડિંગ જેવા સોફટવેર બનાવી પ્રતિબંધિત એપ મારફત ક્રિકેટ, ટેનીસ, ફૂટબોલ સહિતની રમતોમાં ગેમિંગના ગોરખધંધા
સુરતમા પોલીસે ક્ધસ્ટ્રકશનની ઓફીસની આડમા ચાલતા શેર ડબા ટ્રેડીંગનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમા તપાસ દરમ્યાન 948 કરોડનાં વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ આ મામલે એસઓજીએ કુલ 8 શખસોની ધરપકડ કરી તેમની પાસેથી 19 મોબાઇલ , 4 લેપટોપ , 13 સીમ કાર્ડ, 87 ચેકબુક, 31 પાસબુક, અને પેપર કટીંગ મશીન સહીત 17.30 લાખનો મુદામાલ કબજે કર્યો છે. પકડાયેલા 8 શખસો ભાવનગર અને અમરેલી પંથકનાં હોવાનુ જાણવા મળ્યુ છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતનાં નિરીક્ષણ હેઠળ એસઓજીનાં પીઆઇ અનીલ સોનારા અને તેમની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડયુ હતુ જેમા સુરતનાં એક ક્ધસ્ટ્રકશનની ઓફીસમા શેર ડબા ટ્રેડીંગનુ મોટુ રેકર્ડ ચાલતુ હોવાની બાતમીનાં આધારે દરોડો પાડવામા આવ્યો હતો જેમા શેર માર્કેટ ટ્રેડીંગને લગતા વેબ સોફટવેર, ડવેલોપર્સ થકી ડેવલોપ કરી અલગ અલગ ગ્રાહકો ઉભા કરી રોકાણ કરાવી પ્રતિબંધીત અલગ અલગ સોફટવેર દ્વારા ક્રિકેટ, ટેનીસ, ફુટબોલ, અને કેસીનોમા જુગાર રમાડીને મોટી રકમ પડાવી લેવામા આવતી હોવાનુ ખુલ્યુ હતુ આ મામલે એસઓજીએ કુકાવાવનાં અમરાપરનાં વતની અને સુરત રહેતા નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઇ ગેવરીયા, વિશાલ ઉર્ફે વિકી મનસુખ ગેવરીયા, લાઠીનાં વતની અને કામરેજ રહેતા જયદીપ કાનજી પીપળીયા, લાઠીનાં સાખપુર ગામનાં અને હાલ સુરતનાં સરથાણા જકાત નાકા પાસે રહેતા ભાવીન અરવિંદ હીરપરા, કુકાવાવ અમરેલીનાં અમરાપરનાં નવીન ચતુર ગેવરીયા, ભાવનગરનાં ગારીયાધાર તાલુકાનાં નાની વાવડીનાં વતની અને સુરત સરથાણા રહેતા સાહીલ મુકેશભાઇ સુવાગીયા, બોટાદનાં ગઢડા તાલુકાનાં વનાળી ગામનાં અને હાલ સુરત કતાર ગામ રહેતા ભાવેશ જીણાભાઇ કીહલા અને અમરેલીનાં ખાંભા તાલુકાનાં તાલાળા ગામનાં વતની અને સુરત કતાર ગામ રહેતા બકુલ મગનભાઇ તરસરીયાની ધરપકડ કરી હતી જયારે આ મામલે પુછપરછમા જાવેદ ઉર્ફે જેડી અને પરીમલ કાપડીનુ નામ ખુલ્યુ હતુ.
આ ટોળકી સુરતનાં મોટા વરાછા લજામણી ચોક પાસે મેરીડીયન બીઝનેસ સેન્ટરમા સનરાઇઝ ડેવલોપર્સ નામની ઓફીસમા આ રેકેટ ચલાવતા હતા. સ્થળ પરથી એસઓજીએ 19 મોબાઇલ, 4 લેપટોપ, 87 પાસબુક, 31 ચેકબુક અને 13 સીમ કાર્ડ સહીત 10 લાખની રોકડ મળી 17.30 લાખનો મુદામાલ કબજે કર્યો છે. આ ટોળકીએ વેબ સોફટવેર મારફતે 948 કરોડનાં વ્યવહારો કર્યાનુ ખુલ્યુ હતુ જેમા અલગ અલગ બેંક એકાઉન્ટ દ્વારા 46.62 કરોડનાં એકાઉન્ટોનાં વ્યવહારો મળી આવ્યા હતા .
આ તમામ સામે સીકયોરીટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા એકટ હેઠળ ગુનો નોંધાયો છે. આ ટોળકી સોશ્યલ મીડીયા દ્વારા શેર માર્કેટમા ટ્રેડીંગ અંગેની જાહેરાત આપી અલગ અલગ લોકોને ગ્રાહક બનાવી શિકાર કરતી હતી. અને યુઝર આઇડી તથા પાસવર્ડ આપી ગેરકાયદે સર રીતે ડેવલોપ કરેલ વેબ સોફટવેર મારફતે લોભામણી સ્કીમ આપીને રોકડ તેમજ ઓનલાઇન રોકાણ કરાવી છેતરપીંડી આચરતી હતી આ તપાસમા હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શકયતા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સાથે ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શન હેઠળ એસઓજીનાં પીઆઇ એ. એસ સોનારા તેમજ પીએસઆઇ આર. એસ ભાટીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
