વરસાદી પાણીનો નિકાલ નહીં થતા અનેક વિસ્તારોમાં ગોઠણથી કમરડૂબ પાણી ભરાયા, મકાનો-દુકાનોમાંં પણ પાણી ઘુસી જતાં ભારે નુકસાન
મહાનગરપાલિકાએ બચાવ રાહત માટે ફાઇબર બોટો-ટ્રેકટરો કામે લગાડ્યા, ખાડી કાંઠાની રહેણાંક સોસાયટીઓ બેટમાં ફેરવાઇ
24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડયા બાદ સવારે વધુ અઢી ઇંચ ખાબક્યો, લોકો અઘ્ધર શ્ર્વાસે, રસોઇ બનાવવાના પણ ફાંફાં
સુરતમા આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાકમા 16 ઇંચ વરસાદ ખાબકતા અને આજે સવારે સુરત ડૂબ ડૂબા થઇ ગયુ છે ત્યા ખાડીનાં પૂરનાં પાણી પણ સુરત શહેરમા ઘુસી જતા ખાડી કાંઠાનાં વિસ્તારોમા કમરડૂબ પાણી ભરાયા છે અને સુરતમા બોટો તથા તરાયા ફરતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરતની ગલીએ – ગલીએ પાણી ભરાયેલા છે અને અનેક મકાનો તથા દૂકાનો તેમજ મોટાભાગનાં બિલ્ડિંગોનાં સેલરમા પાણી ભરાઇ ગયા છે જેનાં કારણે સુરત શહેરમા પૂર જેવી સ્થિતિ સર્જાયેલ છે.
ગઇકાલે પડેલા અતિભારે વરસાદનાં પાણીનો નિકાલ થઇ શકયો નથી અને ઉલ્ટાનુ ખાડીનાં પુર શહેરમા ઘુસી જતા વિકટ સ્થિતિ સર્જાઇ છે. અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઘરોમા રાખેલી ઘર વખરી તથા દૂકાનો – શોરૂમોમા માલ સામાન પલળી જતા ભારે નુકશાન થવા પામ્યુ છે.
કલાકોથી પાણીનો નિકાલ નહીં થતા સુરત આખુ તરતુ શહેર હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમૂક વિસ્તારોમા સ્થિતિ ભયાનક બની છે. ઘરોમા પાણી ભર્યા હોવાથી લોકોનાં ઘરોનાં ચુલા પણ સળગ્યા નથી , તો. ધો. 10 અને ધો. 12 ની ચાલી રહેલી પૂરક પરીક્ષામા આજે બીજા દિવસે અનેક વિધાર્થીઓ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકયતા ન હતા. લોકોની અવર – જવર માટે ફાયબર બોટો તેમજ ટ્રેકટરો કામે લગાડવામા આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાથી લોકોનુ સ્થળાંતર કરવામા આવ્યુ છે.
સુરતની આસપાસનાં ગામડાઓમા પણ ખાડીના પાણી ઘુસી જતા અનેક ગામડા બેટમા ફેરવાઇ ગયા છે. ભરૂચ પાટીયા વિસ્તારની ગીતાનગર સહિતનાં રહેણાંક વિસ્તારોમા શેરીઓમા ગોઠણ ડુબ પાણી ભરાઇ ગયા છે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પણ ફાઇબર બોટો મારફત લોકોનાં રેસ્કયુ કરવામા આવી રહયા છે. અનેક લોકો ઘરોમા જ ફસાઇ ગયા છે.
સુરતમાં આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 16 ઇંચ વરસાદ પડ્યા બાદ સવારે 6 થી 10 વાગ્યા વચ્ચે વધુ 2.60 ઇંચ વરસાદ પડી જતા સ્થિતી વધુ વિકટ બની હતી. હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો હોવાથી પાણીનો ભરાવો પણ વધી રહ્યો છે.
સવારે 6થી બપોરે બે વાગ્યા સુધીમાં પડેલો વરસાદ
નાંદોદ 8.46 ઈંચ
તીલકવાડા 7.05 ઈંચ
વાપી 5.63 ઈંચ
જેતપુર પાવી 5.5 ઈંચ
ગરુડેશ્ર્વર 4.92 ઈંચ
બારડોલી 4.88 ઈંચ
સોનગઢ 4.84 ઈંચ
વ્યારા 4.57 ઈંચ
દાહોદ 4.25 ઈંચ
પારડી 4.06 ઈંચ
ડેડિયાપાડા 4.06 ઈંચ
સંખેડા 3.94 ઈંચ
નેતરંગ 3.9 ઈંચ
મોડાસા 3.86 ઈંચ
ઉમરપાડા 3.62 ઈંચ
ખેરગામ 3.5 ઈંચ
ધરમપુર 3.46 ઈંચ
મહુવા 3.39 ઈંચ
માંડવી 3.23 ઈંચ
બોડેલી 3.07 ઈંચ
સુરત સીટી 2.6 ઈંચ
કામરેજ 2.44 ઈંચ
કપરાડા 2.36 ઈંચ
વાલોદ 2.05 ઈંચ
કુકરમુંડા 2.05 ઈંચ
