જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતા અને જામનગરની પીજીવીસીએલ ગ્રામ્ય વિભાગની કચેરીમાં ફરજ બજાવતા એક વીજ કર્મચારી નું ગઈકાલે કનસુમરા ગામમાં ચાલુ ફરજ દરમિયાન એકાએક હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું છે. જેથી વિજ તંત્રના અન્ય સ્ટાફમાં તેમજ મૃતક ના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે.
મૃતક ના મોટાભાઈ જામનગરના નિવૃત્ત એ.એસ.આઈ. દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના જૂના રેલ્વે સ્ટેશન પાસે રહેતા અને જામનગરના પોલીસબેડામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત પોલીસ અધિકારી તુલસીભાઈ લખુભાઈ વાઘેલા ના નાના ભાઈ દિનેશભાઈ લખુભાઈ વાઘેલા (50) કે જેઓ જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ના ગોકુલનગર સબ ડિવિઝનમાં ફરજ બજાવે છે, અને તેઓ પોતાના અન્ય સાથી કર્મચારીઓ સાથે ગત 24 મી તારીખે કનસુમરા ગામમાં મહાજન વાસ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા.
જે દરમિયાન તેઓને એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને બેશુદ્ધ બન્યા હતા. જેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાતાં વિજ કર્મચારીના અન્ય સ્ટાફમાં ભારે શોક ની લાગણી છવાઈ હતી.
