જામનગર- લાલપુર ધોરી માર્ગ પર હરિપર ગામની ગોલાઈ પાસે ઇકો કાર અને મીની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં જામનગરથી ભોળેશ્વર દર્શનાર્થે જઈ રહેલી ત્રણ મહિલા અને ઇકો કાર ચાલક ને ઇજા થઈ છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલધામ સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતી ઉષાબા મહેન્દ્રસિંહ જાડેજા નામની મહિલા અને તેમના પાડોશમાં રહેતી કુલ સાત જેટલી મહિલાઓ જામનગર થી ભોળેશ્વર મહાદેવના મંદિરે ગઈકાલે દર્શનાર્થે જઈ રહ્યા હતા, અને મહિલાઓએ એક ઇકો કાર બાંધીને જામનગર થી ભોળેશ્વર જવા માટે નીકળ્યા હતા.
જે દરમિયાન હરીપર ગામની ગોલાઈ પાસે જી.જે 37 ટી. 5877 નંબરના મીની ટ્રકના ચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતાં ત્રણ દર્શનાર્થી મહિલાઓ અને ઇકો કાર ચાલક ઘાયલ થયા હતા, જે તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. જે પૈકી ઉષાબા જાડેજાને ફેક્ચર સહિતની વધુ ઇજા થઈ છે. ઉપરોક્ત અકસ્માતના બનાવ અંગે મીની ટ્રક ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં લાલપુરના એએસઆઈ એ એમ જાડેજા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મીની ટ્રક ચાલક સમય ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
