ભાયાવદર પંથકની સગીરાનું અપહરણ કરી હવસનો શિકાર બનાવનાર શખ્સને માતાએ મદદગારી કરતા બંન્નેની ધરપકડ થઇ’તી
ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં પિયુષ કિશોરભાઈ પટેલને દુષ્કર્મ કરવા માટે તથા ભોગ બનનાર સગીરાની સગી માતાને મદદગારી કરવા માટે 20 વર્ષની સજા ધોરાજી સેશન્સ કોર્ટ ફટકારી હતી.બનાવની વિગત એવી છે કે દુષ્કર્મનો ભોગ બનનારની ફઈબાએ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવેલી હતી કે, ફઈબાના ઘરે પિતૃકાર્ય હતું ત્યારે ભોગ બનનાર તેને ત્યાં આવેલી હતી.
આ સમયે ભોગ બનનાર ગુમસુમ રહેતી હતી તેથી ભોગ બનનારને પૂછતા તેણીએ જણાવેલું હતું કે, ભોગ બનનારની માતા તેણીને ધરારથી મોબાઇલની દુકાન ધરાવતા પિયુષ કિશોરભાઈ પટેલ સાથે મોકલે છે અને આ પિયુષ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરે છે તે પિયુષ એચઆઈવી ગ્રસ્ત છે, અને ભોગ બનનારની માતા આ કૃતિઓ માટે પિયુષ પાસેથી પૈસા પણ લે છે. તત્કાલીન પીએસઆઇ દર્શકભાઈ મજીઠીયાએ ફરિયાદ નોંધી અને તપાસ કરી ચાર્જશીટ કરેલું હતું. આરોપી પિયુષ કિશોરભાઈ વિરુદ્ધની સગીર વયની દીકરી સાથે વારંવાર શરીર સંબંધ બાંધવા અંગે પોકસો એક્ટની મુજબ ગુનો નોંધાયેલ તથા બીએનએસ મુજબ ગુનો નોંધાયેલ જ્યારે ભોગ બનનારની માતા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ ચાર્જશીટ કરેલું હતું અને તે મુજબ ચાર્જ ફરમાવવામાં આવેલો હતો.
ત્યારબાદ ધોરાજીના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સ્પેશિયલ પોક્સો જજ અલી હુસેન મોહી બુલ્લા શેખ સમક્ષ આખો કેસ ચાલેલો હતો. આ ટ્રાયલ દરમિયાન બે તટસ્થ શાહેદાએે જાગૃત નાગરિક તરીકે ભોગ બનનારને તેની માતા આરોપી પિયુષ સાથે મોકલતી હતી તેના વિડીયો ઉતારેલા હતા તે રજૂ કરેલા હતા. તપાસ કરનાર અધિકારી દર્શકભાઈ મજીઠીયાએ તમામ પુરાવાઓ એકત્ર કરી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલેલા હતા. આરોપી પિયુષ એચઆઇવી ગ્રસ્ત છે તેના પણ દસ્તાવેજો મેળવેલા હતા.
ભોગ બનનારની જન્મ તારીખ અંગેના આધારો પણ મેળવેલા હતા. અદાલત સમક્ષ આ તમામ પુરાવાઓ રજૂ થયેલા હતા, સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે ધારદાર દલીલો કરેલી હતી કે, ભોગ બનનાર માત્ર 13 વર્ષ જેવી ઉંમરના છે, તેની માતા તેની કુદરતી વાલી તો છે જ સાથે સાથે ભોગ બનનારના રક્ષણ અને સંરક્ષણની જવાબદારી પણ તેની માતાની છે તે આવું અધમ કૃત્ય થઈ રહ્યું હોય તેમાં ભોગ બનનારને રક્ષણ આપવાના બદલે આરોપીને મદદ કરે તે હળવાશથી લઈ શકાય નહીં અને મેડિકલ એવિડન્સ તથા ભોગ બનનારની જુબાનીથી બનાવ નક્કર રીતે પુરવાર છે.
બે સાક્ષીઓ કે જેમણે મોબાઈલની ક્લિપ રજૂ કરી છે અને ભોગ બનનારને આરોપી પિયુષ મોટરસાયકલમાં લઈ જઈ રહ્યો છે તે ક્લિપ જોવામાં આવે તો પણ ભોગ બનનારના કથનને સમર્થન મળી રહ્યું છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલના શેખે ભોગ બનનારની માતાને ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટના ગુનામાંથી મુક્ત કરેલા હતા. જ્યારે પોક્સો એક્ટ તથા બીએનએસની કલમ મુજબ આરોપી પિયુષ કિશોરભાઈ પટેલને દુષ્કર્મ વારંવાર કરવા બદલ 20 વર્ષની સજા અને 5000 દંડ ફટકારેલ તથા ભોગ બનનારની માતાને આવા કૃત્યમાં મદદગારી કરવા અને ગુનાનું દૂધ પ્રેરણ કરવા માટે 20 વર્ષની સજા અને 5000 દંડ ફટકારેલ હતો.
