તાજેતરમાં પહેલગામમાં પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીઓ વરસાવીને 26 નિર્દોષોની કતલ કરવામાં આવી હતી, જેમાં 3 ગુજરાતીઓ પણ મોતને ભેટ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ સુરે આતંકવાદને નેસ્તનાબુદ કરવાનો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું આહવાન કરી રહ્યા છે. એવામાં સુરતના ચાર જેટલા યુવકોએ શ્રીનગરના લાલચોકમાં પહોંચીને ભારત માતાકી જય અને વંદે માતરમના નારા સાથે તિરંગો લહેરાવ્યો છે.
સુરતથી શ્રીનગર પહોંચેલા યુવકોનું કહેવું છે કે, અમે પાકિસ્તાનીઓને બતાવવા માંગીએ છીએ કે આતંકવાદી હુમલાથી અમે ડરી નથી ગયા. તમે તમારા મનસૂબા ક્યારેય પુરા નહીં થવા દઈએ. અમે શ્રીનગરના લાલચોકની વચ્ચોવચ્ચ જઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. અમારી લોકોને પણ અપીલ છે કે, આતંકવાદીઓથી ડર્યા વિના અહીં ફરવા આવો. આપણે તેમના મનસુબા ક્યારેય સફળ થવા દેવાના નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે, અમે જ્યારે લાલચોક પહોંચ્યા, ત્યારે અમારી વ્હાઈટ ટી-શર્ટ પર હમ હિન્દુ હૈ, માર દો ગોલી લખીને ગયા હતા. આ સમયે ત્યાં ઉપસ્થિત આર્મીના જવાનોએ કોઈ વિરોધ નહતો કર્યો, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા અમને અટકાવીને આવી ટી-શર્ટ પહેરવા બાબતે પૂછવામાં આવ્યું હતુ.જો કે અમે પણ સ્પષ્ટ જણાવી દીધું કે, પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આથી જ અમે અમારો ધર્મ બતાવવા માટે લાલચોક ખાતે આવ્યા છીએ.
