જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સભા, સરઘસ અને પૂતળા દહન જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં હોવા છતાં, ગત, ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ ઘટના સમયે પોલીસ કાફલો સ્થળ પર હાજર હોવા છતાં કોઈ અટકાયતી કે કાયદેસરના પગલાં ન લેવાતાં જામનગર શહેર કોંગ્રેસમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.પોલીસના કથિત પક્ષપાતી વલણ સામે નારાજગી વ્યક્ત કરવા માટે આજે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચીને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પોલીસની નિષ્ક્રિયતા અને એક પક્ષ પ્રત્યેના પક્ષપાત સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા શહેરમાં કોઈપણ પ્રકારની જાહેર સભા, સરઘસ કે પૂતળા દહન પર પ્રતિબંધ ફરમાવતું સ્પષ્ટ જાહેરનામું અમલી છે. આ જાહેરનામાનો ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાનો અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવાનો છે. તેમ છતાં, ગઈકાલે જ્યારે ભાજપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું જાહેરમાં દહન કરવામાં આવ્યું, ત્યારે ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓએ માત્ર મૂક પ્રેક્ષક બનીને તમાસો જોયો હતો. કલેક્ટરના જાહેરનામાના સ્પષ્ટ ભંગ બદલ કોઈની પણ અટકાયત કરવામાં આવી ન હતી કે કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.
આ ઘટનાને પગલે કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પોલીસ વડા સમક્ષ આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા અને નિયમ મુજબ જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે જો કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતી પોલીસ જ કોઈ ચોક્કસ પક્ષ કે જૂથ પ્રત્યે પક્ષપાત ભર્યું વલણ અપનાવશે તો સામાન્ય નાગરિકોનો કાયદા વ્યવસ્થા તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ભાજપના કાર્યકરો સામે નરમ વલણ અપનાવવામાં આવ્યું છે, જ્યારે અન્ય પક્ષો કે સંગઠનો દ્વારા આવા જ કિસ્સાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.
જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવાના આ કાર્યક્રમમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોંગ્રેસના કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, કાસમભાઈ જોખિયા સહિત અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહિપાલસિંહ, શક્તિસિંહ, એડવોકેટ જે.એન. ઝાલા, ભરત વાળા, પ્રવીણ જેઠવા, આનંદ ગોહિલ સહિતના અન્ય આગેવાનો પણ આ રોષપૂર્ણ કાર્યક્રમમાં જોડાયા હતા અને પોલીસના વલણ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
