સાત રસ્તા ફ્લાયઓવર બ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાં

  જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધી નિર્માણ પામી રહેલા મહત્વકાંક્ષી ફ્લાયઓવર બ્રિજનું કામ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.…

 

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધી નિર્માણ પામી રહેલા મહત્વકાંક્ષી ફ્લાયઓવર બ્રિજનું કામ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ ફ્લાયઓવરના નિર્માણને પૂર્ણ કરવા માટે અંબર ચોકડી પાસેના અંતિમ પોઈન્ટને જોડવાની કામગીરી ગઈકાલથી શરૂૂ કરી દેવામાં આવી છે. આ કામગીરીને કારણે અંબર ચોકડી પર વાહન વ્યવહારને સુચારુ રાખવા માટે તબક્કાવાર ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ તબક્કામાં અંબર સિનેમાથી જૂના રેલવે સ્ટેશન તરફ જવા માટેના માર્ગ પર ડાયવર્ઝન શરૂૂ કરવામાં આવ્યું છે. આ માર્ગ પરના વાહનોને હાલમાં રેલ્વે સાઈડિંગ તરફથી કાઢવામાં આવેલા વૈકલ્પિક રસ્તા દ્વારા વાળવામાં આવી રહ્યા છે. જેના કારણે આ વિસ્તારમાં વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ફ્લાયઓવરનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે આ વ્યવસ્થા જરૂૂરી છે.
આ ઉપરાંત, આગામી દિવસોમાં ડીએસપી બંગલાથી અંબર સિનેમા તરફ જવા માટેના વાહનચાલકો માટે પણ ડાયવર્ઝન અમલમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

યોજના મુજબ, આ વાહનચાલકોને અંબર સિનેમા તરફ વાળવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી ડાયવર્ઝન દ્વારા ફરીથી અંબર રોડ પર જવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ ડાયવર્ઝનનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ફ્લાયઓવરના નિર્માણ કાર્ય દરમિયાન પણ વાહન વ્યવહાર શક્ય તેટલો ઓછો પ્રભાવિત થાય.

જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે: મહાપાલિકા
મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર કામગીરી પૂર્ણ થવામાં અંદાજે 40 થી 45 દિવસનો સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને ડાયવર્ઝનનો ઉપયોગ કરીને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગેનું સત્તાવાર જાહેરનામું પણ ટૂંક સમયમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં ડાયવર્ઝનના માર્ગો અને સમયગાળા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *