54 દર્દીઓએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો, વિધાનસભામાં સરકારનો જવાબ
અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (ઈંઊંઉછઈ) ખાતે બે વર્ષમાં કિડનીના 848, લીવરના 140 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ ટ્રાન્સપ્લાન્ટ બાદ કિડનીના 28, લીવરના 54 દર્દીઓના હોસ્પિટલમાં જ મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. આમ બે વર્ષમાં સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 38 ટકા દર્દીના મૃત્યુ થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા વિધાનસભામાં માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતમાં વર્ષ 2023માં 196, 2024માં 205 એમ કુલ 401 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ પૈકી 2023માં 71, 2024માં 66 એમ કુલ 137 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. આ ઉપરાંત 3 દર્દીના લાઇવ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ બે વર્ષમાં 54 દર્દીએ હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યો છે.
આ અંગે આરોગ્ય વિભાગે કહ્યું છે કે, ટ્રાન્સપ્લાન્ટ બાદ થયેલ દર્દીઓના મૃત્યુ સંદર્ભે કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા આંતરિક કમિટી બનાવી મૃત્યુના રીવ્યું કર્યા છે. જેમાં ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીને ન્યુમોનિયા, શરીરમાં ચેપ ફેલાઇ જવો, મળેલા અંગ યોગ્ય રીતે કામ ન કરવા, ઈન્ફેકશન ફ્રોમ લીવર ડોનર, સ્ટોન ઈન ગોલ બ્લેડર, ટી.બી થવી, કેન્સર એટેક, પોર્ટલ વેઇન થ્રોમ્બોસિસ, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, લોહીના પરિભ્રમણમા ખામી, કાર્ડયાક અરેસ્ટ, નાજુક તબીબી સ્થિતિ, માલન્યુટ્રીશન, સ્નાયુઓની તકલીફ, રિકરન્ટ એક્યૂટ કિડની ઈંજરી જેવા મહત્ત્વના કારણો જવાબદાર હોવાનું તારણ બહાર આવ્યું છે. ગુજરાતમાં રીટ્રાઇવલ કરતી કુલ 122 હોસ્પિટલો છે. જે પૈકી 15 સરકારી હોસ્પિટલો છે. આ ઉપરાંત રાજ્યમાં રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ બંને કરતી કુલ 33 જેટલી હોસ્પિટલ છે. આ ઉપરાંત લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે 11 હોસ્પિટલ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારાનું પ્રમાણ પણ ચિંતાજનક વધી રહ્યું છે. સિવિલમાં બે-વર્ષમાં 848 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આમ, દર મહિને સરેરાશ 35 દર્દીના કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે.
કીડની ટ્રાન્સપ્લાન્ટમાં લાગવગશાહી, વિપક્ષીનેતા ચાવડાનો ગંભીર આરોપ
દેશ-વિદેશમાં કિડનીની સારવાર માટે જાણીતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની ઇન્સ્ટિટ્યૂટમાં ઓર્ગન ડોનેશન પછી કિડની ટ્રાન્સ્પાલ્ટેશનમાં જરૂૂરિયાતમંદ દર્દીઓને બદલે લાગવગથી અમુક દર્દીઓને કિડની પ્રત્યાર્પણ કરાતું હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યો હતો. વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ચાવડાએ કેગની ક્વેરીને ક્વોટ કરીને કહ્યું કે, ઇન્સ્ટિટ્યૂટની કામગીરી અંગે મારે કંઇ કહેવું નથી, પરંતુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં ગેરરીતિ થતી હોવાનું કેગના પેરામાં કહેવાયું છે ત્યારે સરકારે તેમાં તપાસ કરાવવી જોઇએ. આના ઉત્તરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કેગના રિપોર્ટ કે તેની ક્વેરી અંગે સરકાર પાસે જાણકારી ન હોય, એ સ્વાયત્ત સંસ્થા છે એટલે એ તેની પૂર્તતા કરશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યમાં બ્રેઇનડેડ કે લાઇવ અંગદાતા તરફથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે. અંગદાનમાં મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં વ્હાલાં-દવલાં કે કોઇપણ પ્રકારની ઓળખાણ કે લાગવગ ચલાવવાની નીતિને અવકાશ નથી.
