ગૌચર-ગણોતધારા-ગેરકાયદે ખનન-બિનખેતીની પરવાનગીને લગતા શરતભંગના ચાલુ કેસો પણ પડતા મુકાશે
ગુજરાત લેન્ડ રેવન્યુ એમેન્ડમેન્ટ બિલ-2025 વિધાનસભામાં રજૂ, મહેસૂલ અધિનિયમની કલમો 65,
68 અને 43માં મોટાપાયે ફેરફાર
ગુજરાત સરકારે ગઇકાલે સાંજે ગુજરાત લેન્ડ રેવન્યુ એમેન્ડમેન્ટ બિલ-2025 વિધાનસભામાં રજુ કરી દીધુ છે. આ બિલમં ગૌચરની જમીન માટેની કલમ 65, ગણોતધારાની કલમ 43 અને ગેરકાયદે ખનનની કલમ 68 હેઠળ થયેલ કેસો માંડવાળ કરવા માટે મહત્વની જોગવાઇ કરવામાં આવતા મહેસુલ તંત્રમાં કલેકટર- મામલતદાર સહીત વિવિધ કક્ષાએ ચાલતા કેસોનો એક ઝાટકે નિકાલ થઇ શકશે.
નવા બિલમાં મહેસુલ અધિનિયમની કલમ 125-છ માં સુધારો કરાયો છે જે મુજબ મહેસુલ અધિનિયમ 1979ની કલમો 65 અને 68 તથા ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948ની કલમ 43 તેમજ ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ 1958 કલમ 57 અધિનિયમો હેઠળ જે જમીન માટે કલેક્ટરની પૂર્વ-મંજૂરી લેવી જરૂૂરી હોય પણ મંજૂરી લીધી ન હોય અને અનધિકૃત વિકાસ કરવામાં આવ્યો હોય અથવા ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય, ત્યારે અધિનિયમો હેઠળની શરત અથવા યથાપ્રસંગ, જોગવાઇઓના ઉલ્લંઘન માટે જેટલી પ્રીમિયમની રકમ અને બીજા સરકારી લેણાં લેવાપાત્ર હોય તેના સિવાય માંડવાળ ફી લેવાનું રાજ્ય સરકાર માટે કાયદેસર રહેશે.
કલમ 65 હેઠળ બિનખેતીની પરવાનગીને લગતી કોઈ શરતનો ભંગ કરવામાં આવ્યો હશે તો તે ભંગ બદલ જે તે વ્યક્તિ સામે કોર્ટકાર્યવાહી ચાલુ કરવામાં આવી હશે તો તે પડતી મૂકી દેવામાં આવશે. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 79-ક હેઠળ આ કાર્યવાહી કરવામાં આવે છે.ત્યારે હવે કલમ 43ની નવી શરતની જમીન માં શરતનો ભંગ થયો હશે અને કેસ થયો હોય તો પણ પડતો મૂકાશે.
નવી શરતની અને અવિભાજ્ય શરતની જમીન તથા પ્રતિબંધીત સતા પ્રકાર જમીન કલેક્ટરની મંજૂરી વિના જ વેચાણ કરી હશે તો અને તેના સંદર્ભમાં કલમ 84-સી હેઠળ કાર્યવાહી ચાલતી હશે તો તે પણ પડતી મૂકવાનું આયોજન કરતી જોગવાઈ ધ ગુજરાત લેન્ડ રેવન્યુ એમેન્ડમેન્ટ બિલ 2025માં કરવામાં આવેલી છે,એમ લેન્ડ રેવન્યુ એક્ટના જાણકારોનું કહેવું છે.
તેમનું કહેવું છે કે નવી શરતની એન.એ. ન કરાવેલી જમીન સરકારની મંજૂરી વિના જ કોઈ વ્યક્તિએ અન્ય કોઈ વ્યક્તિને વેચાણ આપી દીધી હોય તો તેવા સંજોગોમાં સરકાર તે વ્યક્તિ સામે કોર્ટ કેસ ઊભો કરે છે. લેન્ડ રેવન્યુ એક્ટની કલમ 84-સી હેઠળ તેનો ખુલાસો પણ માગે છે.
ખુલાસો બરાબર ન લાગે તો તેવા સંજોગોમાં જમીનને શ્રી સરકાર કરી લે છે. આ રીતે શ્રી સરકાર કરેલી જમીન પૈસા લઈને સરકાર બીજી કોઈ વ્યક્તિને આપી શકે તેવી જોગવાઈ પણ નવા સૂચિત લેન્ડ રેવન્યુ બિલના માઘ્યમથી દાખલ કરવામાં આવી રહી છે.આ જ રીતે કલમ 43 હેઠળની નવી શરતની જમીન એન.એ કરાવ્યા વિના જ આપીદેવામાં આવી હશે અને તેને લગતી કોઈ શરતનો ભંગ કરવામાં આવ્યો હશે તો તેવા સંજોગમાં કોર્ટ કાર્યવાહી ચાલુ કરવામાં આવી હશે તો તે પણ પડતી મૂકી શકાશે.
