રાજકોટમાં વાહન ચાલકો બેફામ થયા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં અઠવાડિયા પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો રંગ ઉતરે તે પૂર્વે જ કાકાના ઘરેથી પરત ફરતી વેળાએ અજાણ્યા કાર ચાલકે બુલેટને ઠોકરે ચડાવ્યું હતું. નહિટ એન્ડ રનથની ઘટનામાં આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ પાળ ગામના વતની અને હાલ રાજકોટમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા સિધ્ધરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 30) ગઈ કાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં બુલેટ બાઇક લઈ ઢેબર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોકડીયા હનુમાન મંદિર નજીક પહોંચતા માતેલા સાંઢની માફક ધસી આવેલા અજાણ્યા કારના ચાલકે બુલેટને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા સિધ્ધરાજસિંહ જાડેજાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં ભકિતનગર પોલસ સ્ટેશનના પીએસઆઈ વી.એલ. રાઠોડ સહિતની ટીમ દોડી ગઇ હતી અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે મૃતક યુવાનના પરિવારજનોને જાણ કરતાં સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક સિધ્ધરાજસિંહ જાડેજા બે ભાઈમાં મોટા હતા. ગત રવિવારે જ તેમના લગ્ન હતા અને જાન ભાવનગર ખાતે ગઈ હતી. ગઈ કાલે સિધ્ધરાજસિંહ જાડેજા પંચશીલ સોસાયટીમાં રહેતા કાકા બળદેવસિંહના ઘરે ગયા હતા. અને ત્યાંથી પોતાના ઘરે શ્રમજીવી સોસાયટીમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફુટેજના આધારે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
